સાવલી સ્થિત KJIT કોલેજ કેમ્પસમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત આજે સવારે યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ, હેન્ડબોલ અને રસાખેંચ સહિતની રમતોમાં ભાગ લઈને યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રમતગમત દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી સીમિત નથી, પરંતુ તે યુવાનોમાં ટીમ સ્પિરિટ, સંઘર્ષ સામે લડવાની ક્ષમતા અને નેતૃત્વના ગુણો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલ મહાકુંભ’ જેવી પહેલોથી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રમતગમત કાર્યક્રમ બાદ 500થી વધુ સેવાભાવી યુવાનો સાથે બાઇક રેલીને પુનઃ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ સાથે શરૂ થયેલી આ બાઇક રેલી દાહોદ રૂટ તરફ આગળ વધી હતી.










