અમદાવાદઃ ખેડબ્રહ્મામાં યોજાનારા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા તેમની સુવિધા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ કરવામાં આવશે. ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ સવારે 9:35 કલાકે અસારવાથી ઉપડશે અને બપોરે 12:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.
પરત ફરતી ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ બપોરે 3:35 કલાકે ખેડબ્રહ્માથી ઉપડશે અને સાંજે 6:10 કલાકે અસારવા પહોંચશે.
ટ્રેન બંને દિશામાં નરોડા, હિમ્મતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાશે. 8 કોચની આ MEMU ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસના રહેશે. આ વિશેષ ટ્રેનથી ભાદરવી પૂનમ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મુસાફરીમાં સુવિધા મળશે.










