એકતાનગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનું ભવ્ય આયોજન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ગુજરાતના એકતાનગર (કેવડિયા) ખાતે 22 સપ્ટેમ્બરે પ્રથમવાર નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રીઓ સહિત ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે થશે. ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓનું સન્માન કરાશે. કાર્યક્રમ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેઝર-લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા નર્મદા કિનારે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
સમારોહ માટે એકતાનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આશરે 1,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેજ લાઇટિંગ, હાઇટેક સાઉન્ડ સિસ્ટમ, VIP લાઉન્જ અને થીમ આધારિત ડેકોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે. 500થી વધુ ટેકનિશિયન, કારીગરો અને મજૂરોની ટીમ તૈયારીઓમાં જોડાઈ છે.










