અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટ્રકનો ભયાનક અકસ્માત, કલોલ પાસે બ્રિજ પરથી લટક્યો ટ્રક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કલોલઃ અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ નજીક સિંદબાદ હોટેલ પાસે મંગળવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અચાનક પલટી ખાઇને બ્રિજની રેલિંગ સાથે અથડાયો હતો અને તેનો આગળનો ભાગ બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ તરફ લટકી ગયો હતો. અકસ્માતમાં ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, હાઇવે પર પડેલા ખાડાઓને કારણે આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી. પાછળથી આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ ટ્રક પલટી ખાઇને બ્રિજની સાઇડ સાથે અથડાયો હતો અને બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ તરફ લટકી ગયો હતો.

કેબિનનો કચ્ચરઘાણ, ડ્રાઇવર ઇજાગ્રસ્ત

અકસ્મતમાં ટ્રકની કેબિનને ભારે નુકસાન થયું હતું. કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે વળી જતાં ડ્રાઇવર તેમાં ફસાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વહેલી સવારે અકસ્માત થતાં મોટી જાનહાનિ ટળી

અકસ્મત વહેલી સવારે સર્જાયો હોવાથી સર્વિસ રોડ પર વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો હતો. જેના કારણે ટ્રક નીચે પડ્યો હોવા છતાં મોટી જાનહાનિ ટળી હતી. જો આ અકસ્માત વ્યસ્ત સમયે સર્જાયો હોત તો ગંભીર પરિણામો આવી શક્યા હોત.

અકસ્મતને પગલે અમદાવાદ-મહેસાણા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાતા વહેલી સવારથી જ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવવાની કામગીરી બાદ ધીમે ધીમે વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

હાઇવે પરના ખાડાઓ સામે ફરી સવાલ

આ અકસ્માત બાદ અમદાવાદ-મહેસાણા હાઇવેની બિસ્માર હાલત ફરી ચર્ચામાં આવી છે. હાઇવે પર અનેક સ્થળોએ ખાડા હોવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. વાહનચાલકોનું કહેવું છે કે અચાનક ખાડા સામે આવતાં બ્રેક મારવી પડે છે અથવા વાહનનું સ્ટિયરિંગ વાળવું પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધે છે.

કલોલ નજીક બનેલી આ ઘટનાએ હાઇવેની જાળવણી અને ખાડાઓની સમસ્યા અંગે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai