વડોદરાઃ સયાજીપુરા વિસ્તારમાં આવેલી ‘ડવડેક’ રહેણાંક યોજનાના ફ્લેટ ખરીદદારોને રાહત આપતો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા આપવામાં આવ્યો છે. દસ્તાવેજ થઈ ગયા હોવા છતાં અને ફ્લેટની સંપૂર્ણ રકમ ચૂકવ્યા બાદ પણ ખરીદદારોને પ્રત્યક્ષ કબજો ન સોંપવા બદલ સાંગાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ગુજરેરાએ આકરો આદેશ કર્યો છે.
ખરીદદારોની ફરિયાદ હતી કે ફ્લેટની સંપૂર્ણ કિંમત ચૂકવી દેવામાં આવી છે અને દસ્તાવેજ પણ થઈ ગયા છે, તેમ છતાં ડેવલપર દ્વારા કબજો સોંપવામાં સતત વિલંબ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડેવલપરે દલીલ કરી હતી કે યોજનામાં 150થી વધુ પરિવારો રહેવા આવી ચૂક્યા છે અને ફરિયાદીઓ પોતે કબજો લેવા તૈયાર નથી. સાથે જ મેન્ટેનન્સ અને GST સહિતના કેટલાક ચાર્જ બાકી હોવાનો પણ ડેવલપરે બચાવ કર્યો હતો.
ગુજરેરાના મેમ્બર ડો. એમ. ડી. મોડીયાએ બંને પક્ષોની દલીલો તેમજ રજૂ થયેલા દસ્તાવેજોનું અવલોકન કર્યું હતું. સત્તાધિકારીએ નોંધ્યું કે ડેવલપર પાસે પ્રોજેક્ટ અંગેનું ઓક્યુપન્સી સર્ટિફિકેટ ઉપલબ્ધ હોવાનું સાબિત થયું નથી. ઉપરાંત ફરિયાદીઓને કબજો સંભાળવા માટે સત્તાવાર નોટિસ આપવામાં આવી હોવાનો પણ કોઈ પુરાવો રેકોર્ડ પર રજૂ થયો નહોતો.
પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2022 હતી. તેથી ગુજરેરાએ નોંધ્યું કે 1 જાન્યુઆરી 2023થી ખરીદદારો વિલંબિત કબજાના સમયગાળા માટે વ્યાજ મેળવવા હકદાર છે.
10.40 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ
ગુજરેરાએ ફરિયાદોને મંજૂર કરતાં ડેવલપરને સૌપ્રથમ જરૂરી ઓક્યુપન્સી સર્ટિફિકેટ મેળવીને ખરીદદારોને ફ્લેટનો ખાલી અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો આદેશ કર્યો છે.
આ ઉપરાંત ખરીદદારો દ્વારા ચૂકવવામાં આવેલી રૂ.29.70 લાખ અને રૂ.24 લાખની રકમ પર 1 જાન્યુઆરી 2023થી ફ્લેટનો વાસ્તવિક કબજો સોંપવામાં આવે ત્યાં સુધી વાર્ષિક 10.40 ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ વ્યાજની ગણતરી SBI MCLR + 2 ટકાના દરે કરવાની રહેશે.
ગુજરેરાએ વધુમાં ડેવલપરને કબજો સોંપ્યાના 45 દિવસની અંદર વ્યાજની રકમ ચૂકવી આપવા નિર્દેશ આપ્યો છે. સાથે જ દરેક ફરિયાદીને રૂ.10 હજાર ખર્ચ પેટે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ ચુકાદાથી દસ્તાવેજ અને સંપૂર્ણ ચુકવણી કર્યા બાદ પણ લાંબા સમયથી ફ્લેટનો કબજો ન મળતા ખરીદદારોને રાહત મળી છે. ગુજરેરાના આ આદેશથી ડેવલપર દ્વારા સમયસર કબજો ન સોંપવામાં આવે ત્યારે ખરીદદારોના અધિકારો અને વિલંબના વળતર અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ થઈ છે.










