અમદાવાદ પહોંચી દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રો, ગરબા થીમથી સજ્જ ટ્રેન ગાંધીનગર રૂટ પર દોડશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદઃ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કમાં સ્વદેશીકરણ તરફ મહત્વનું પગલું ભરાયું છે. ગરબા થીમથી સજ્જ દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન અમદાવાદના ગ્યાસપુર ડેપો ખાતે પહોંચી ગઈ છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના કોલકાતા સ્થિત પ્લાન્ટમાં તૈયાર કરાયેલી આ ટ્રેનનું હવે ટેસ્ટિંગ અને ટેકનિકલ ચકાસણી હાથ ધરવામાં આવશે.

હાલ અમદાવાદ મેટ્રો નેટવર્કમાં દક્ષિણ કોરિયામાં નિર્મિત મેટ્રો ટ્રેનો કાર્યરત છે. તેની વચ્ચે હવે ભારતમાં તૈયાર થયેલી નવી સ્વદેશી મેટ્રો ટ્રેનનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ટ્રેનની જરૂરી ચકાસણી અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેને ખાસ કરીને ગાંધીનગર રૂટ પર દોડાવવામાં આવે તેવી શક્યતા છે.

જાન્યુઆરી 2027થી મોટેરા-મહાત્મા મંદિર રૂટ પર દોડાવવાની તૈયારી

પ્રાથમિક આયોજન મુજબ તમામ જરૂરી ટેસ્ટિંગ અને સલામતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રો જાન્યુઆરી 2027થી મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર દોડાવવામાં આવી શકે છે. આ રૂટ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રો જોડાણને વધુ મજબૂત બનાવશે.

ટ્રેનને ગુજરાતની ઓળખ સાથે જોડવા માટે તેની ડિઝાઇનમાં ગરબા થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે મેટ્રો ટ્રેનમાં આધુનિક ટેક્નોલોજી સાથે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે.

RDSO અને CMRS કરશે સલામતી ચકાસણી

ટ્રેનના નિયમિત સંચાલન પહેલાં રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) અને કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા જરૂરી નિરીક્ષણ અને સલામતી ચકાસણી કરવામાં આવશે. નિરીક્ષણ અને ટ્રાયલ પ્રક્રિયા સફળ થયા બાદ જ ટ્રેનને પેસેન્જર સર્વિસ માટે ટ્રેક પર દોડાવવાની મંજૂરી આપવામાં આવશે.

આ નવી સ્વદેશી મેટ્રો ટ્રેનના આગમનને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કમાં ‘મેક ઇન ઇન્ડિયા’ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai