ધનસુરામાં પોલીસ-આરોપીઓ વચ્ચે અથડામણ: પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતાં 2 રાઉન્ડ ફાયરિંગ, આરોપીઓ ફરાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અરવલ્લી: ધનસુરા તાલુકાના શિનોલ ગામ નજીક પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતી SOG પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બાતમીના આધારે સ્કોર્પિયોનો પીછો કરતાં આરોપીઓએ પોલીસની ગાડીને ટક્કર મારી હતી. ત્યારબાદ સ્કોર્પિયોમાં સવાર શખસોએ પોલીસ પર પિસ્તોલ તાકતાં બચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, પોશડોડાની હેરાફેરીની બાતમીના આધારે SOGની ટીમે શંકાસ્પદ સ્કોર્પિયોનો પીછો શરૂ કર્યો હતો. શિનોલ ગામ નજીક આરોપીઓએ પોલીસની ગાડીને ટક્કર મારી હતી. આ દરમિયાન કારમાં સવાર શખસોએ પિસ્તોલ કાઢી પોલીસને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિસ્થિતિને પગલે SOGના PIએ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, તકનો લાભ લઈને સ્કોર્પિયોમાં સવાર બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસની ગાડીને ટક્કર વાગતાં ડ્રાઇવર અને PIને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, ફરાર બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું SOG પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર તરફ જતી ચેકપોસ્ટો અને હાઈવે પર નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરી છે. સ્કોર્પિયો અને તેમાં સવાર આરોપીઓની શોધખોળ માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai