ગુજરાતમાં ફાયર બ્રિગેડની ઈમરજન્સી સેવા માટે 101ના બદલે હવે 112 નંબર લાગુ કરવામાં આવ્યો છે. 23 સપ્ટેમ્બરથી પ્રથમ તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં નવી વ્યવસ્થા શરૂ થઈ છે. રાજકોટને હાલ આ વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
નાગરિકોએ આગની ઘટના સમયે હવે 101ના બદલે 112 ડાયલ કરવાનો રહેશે. જોકે હાલ 101 પર કોલ કરવાથી તે આપમેળે 112ના કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર થશે. 102 નંબર પર મળતી શબવાહિનીની સેવા હાલ યથાવત રહેશે.
નવી સિસ્ટમમાં 112 પર કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળની નજીકના ફાયર સ્ટેશનને સીધી જાણ થશે અને ત્યાંથી ટીમ તથા ફાયર વાહન રવાના કરવામાં આવશે. ફાયર સ્ટેશનોમાં કમ્પ્યુટર સિસ્ટમ અને કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ માટે મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી છે.
નવી વ્યવસ્થાથી ફાયર વાહનોનું ટ્રેકિંગ, લાઈવ અપડેટ અને ઈમરજન્સી રિસ્પોન્સ વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષના અંત સુધીમાં સમગ્ર ગુજરાતને 112 આધારિત ફાયર ઈમરજન્સી સિસ્ટમ હેઠળ આવરી લેવાની યોજના છે.










