અસલ નંબર GJ-10-EL-3100ની જગ્યાએ GJ-10-EL-31ની પ્લેટ લગાવી ફરતો હતો; પોલીસે સ્કૂટર સહિત બંને નંબર પ્લેટ કબજે કરી
જામનગરમાં CCTV આધારિત ઓનલાઈન ચલણથી બચવા માટે સ્કૂટરની નંબર પ્લેટમાં છેડછાડ કરનાર યુવાનને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને એક સફેદ Suzuki Access પર ક્યારેક GJ-10-EL-3100 અને ક્યારેક GJ-10-EL-31 નંબરની પ્લેટ લગાવેલી જોવા મળતા તપાસ હાથ ધરાઈ હતી.
વોચ દરમિયાન 25 સપ્ટેમ્બરે ટાઉન હોલ નજીક સ્કૂટર અટકાવી તપાસ કરતાં ચાલકની ઓળખ 23 વર્ષીય ફૈઝલ યુનુસભાઈ મુનરાઈ તરીકે થઈ હતી. વાહનના દસ્તાવેજો અને ચેસીસ-એન્જિન નંબરની તપાસ કરતાં અસલ નોંધણી નંબર GJ-10-EL-3100 હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને સ્કૂટરની ડેકીમાંથી અસલ નંબર પ્લેટ GJ-10-EL-3100 મળી આવી હતી, જ્યારે વાહન પર GJ-10-EL-31ની ખોટી પ્લેટ લગાવેલી હતી. પૂછપરછમાં CCTVથી થતા ઓનલાઈન ચલણથી બચવા માટે અસલ પ્લેટ બદલી ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું યુવાને જણાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે આશરે રૂ.40 હજારનું સ્કૂટર તથા અસલ અને ખોટી બંને નંબર પ્લેટ કબજે કરી યુવાનની ધરપકડ કરી છે. મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3), 340(2) તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.










