રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર વિસ્તારોમાં વાહકજન્ય રોગોના નિદાન, સર્વેલન્સ અને અટકાયતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, 2025ની સરખામણીએ 2026માં મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોના નિદાન કેન્દ્રોમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2,099 કેસ પોઝિટિવ નોંધાયા હતા.
બેઠકમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સ વધુ સઘન બનાવવા તેમજ ડેન્ગ્યુના મચ્છરો અને તેમના પ્રજનન સ્થળોનો નાશ કરવા ખાસ ઝુંબેશ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં તાવ તથા ડેન્ગ્યુના યોગ્ય નિદાન-સારવારની સુવિધા, દવાઓ અને ટેસ્ટિંગ કિટ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં કોઈ અછત જણાય ત્યાં તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુ કાબૂમાં છે, જોકે મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા સર્વેલન્સ અને પ્રતિબંધાત્મક કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા તથા સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.










