જસદણના ગઢડીયા ચોકડી નજીક રાજકોટ LCBએ દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી. કારમાં બોનેટ સહિત અલગ-અલગ જગ્યાએ ખાસ બનાવેલા ચોરખાનામાં છુપાવેલી 384 બોટલ દારૂ મળી આવતા પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો.
રાજકોટ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સફેદ રંગની સ્વિફ્ટ કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ગઢડીયા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
પ્રથમ નજરે કારમાં કંઈ શંકાસ્પદ જણાયું નહોતું, પરંતુ સઘન તપાસ કરતાં બોનેટ સહિત કારની અલગ-અલગ જગ્યાએ બનાવેલા ચોરખાના મળી આવ્યા, જેમાં દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે કુલ 384 બોટલ દારૂ, કાર અને મોબાઈલ સહિત રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કારચાલક **જયંતી કુકા ઓતરાદી (ઉ.વ.42, રહે. ચીતલીયા, જસદણ)**ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન દારૂની હેરાફેરીમાં અન્ય ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હતા.
પોલીસે રાહુલ છગન વાઘાણી (રહે. શિવરાજપુર, જસદણ), પ્રવિણ સેવા તોમર (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વલકુ ખાચર (રહે. મોટા દડવા, ગોંડલ) સામે પણ ગુનો નોંધ્યો છે. અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.










