ગાંધીનગરની **ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)**ના હોસ્ટેલમાં આરોગ્ય અને સ્વચ્છતાને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. વિદ્યાર્થી મંડળના જણાવ્યા મુજબ કેમ્પસમાં 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે, જેમાં 93 ડેન્ગ્યુ, 10 ટાઇફોઇડ, 58 વાયરલ ચેપ, 20 ફૂડ પોઇઝનિંગ અને 19 અન્ય ચેપના કેસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી મંડળે પીવાના પાણી, ખોરાકની સ્વચ્છતા અને ગટર વ્યવસ્થાને લઈને યુનિવર્સિટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પીવાના પાણીમાં ક્લોરિનનો વધુ સ્વાદ આવવો, કેટલાક વિસ્તારોમાં RO ફિલ્ટરની સુવિધાનો અભાવ અને ગટર લીકેજ જેવી સમસ્યાઓ છે.
વિદ્યાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ગર્લ્સ હોસ્ટેલ નજીક ગટર લીકેજને કારણે દુર્ગંધ રહે છે, જ્યારે બોયઝ હોસ્ટેલમાં એક રૂમની બહાર લાંબા સમયથી ગંદુ પાણી ટપકતું હોવાની ફરિયાદ છે. મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા હોવા છતાં શૌચાલયોમાં ફોગિંગ અંગે પણ વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે.
મેસના ભોજન અંગે પણ વિદ્યાર્થીઓએ ગંભીર ફરિયાદો કરી છે. તેમના જણાવ્યા મુજબ ભોજનમાંથી ધાતુના બ્લેડ, પથ્થર, મૃત જીવજંતુઓ અને કાચના ટુકડા જેવી વસ્તુઓ મળી આવી હોવાના બનાવો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ મેન્ટેનન્સ અને મેસ ફી ચૂકવતા હોવા છતાં બીમારી દરમિયાન બહારથી પાણી અને ખોરાક ખરીદવાની ફરજ પડતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી મંડળે સમગ્ર મામલે બાહ્ય નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર હેલ્થ અને સેફ્ટી ઓડિટ, પાણી અને ખોરાકની ગુણવત્તાની તપાસ તથા કેમ્પસની સ્વચ્છતા અને માળખાકીય સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવાની માંગ કરી છે. આ આક્ષેપો અંગે યુનિવર્સિટી પ્રશાસનનો પક્ષ ઉપલબ્ધ થાય તો તેને પણ ધ્યાનમાં લેવાનો રહેશે.










