ગુજરાતની તમામ અદાલતોમાં આજે વકીલોની હડતાળ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું એલાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં રાજ્યનાં 182 વકીલ મંડળો જોડાશે, રાજકોટ સહિત તમામ કોર્ટ, ટ્રિબ્યુનલ અને રેવન્યુ કચેરીઓમાં કેસની કામગીરીથી અળગા રહેશે

ગુજરાત સરકારના ગુજરાત ભાડા વિધેયક-2026 સામે રાજ્યભરના વકીલોમાં વિરોધ ઉગ્ર બન્યો છે. ભાડા સંબંધિત તકરારોના નિકાલની સત્તા સ્મોલ કોઝ કોર્ટ પાસેથી લઈને એડિશનલ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર જેવા વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈના વિરોધમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે 5 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી વિરોધનું એલાન આપ્યું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત રાજ્યભરની અદાલતોમાં વકીલો કામકાજથી અળગા રહેશે. આ વિરોધમાં રાજ્યનાં 182 વકીલ મંડળો જોડાવાનાં છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 3 ઓક્ટોબર, 2026ના રોજ મળેલી વર્ચ્યુઅલ અસાધારણ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરીને વિધેયકની વિવાદાસ્પદ જોગવાઈનો વિરોધ કરતા વકીલ મંડળોને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. વકીલોનું કહેવું છે કે ભાડા સંબંધિત તકરારોના નિકાલની સત્તા ન્યાયિક સત્તાધિકારીઓ પાસેથી લઈને વહીવટી અધિકારીઓને સોંપવાથી વકીલો, પક્ષકારો અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ન્યાયિક સત્તા વહીવટી અધિકારીઓને સોંપવા સામે વિરોધ

વકીલ મંડળોના જણાવ્યા અનુસાર, વહીવટી અધિકારીઓ પાસે પહેલેથી જ અનેક સરકારી જવાબદારીઓ હોય છે. આવી સ્થિતિમાં ભાડા સંબંધિત વિવાદોના કેસોની સુનાવણી, પુરાવા એકત્રિત કરવા, પુરાવાનું મૂલ્યાંકન કરવા અને ન્યાયસંગત નિર્ણય લેવા માટે પૂરતો સમય ફાળવી શકાશે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. આથી વિવાદોના નિરાકરણની સત્તા ન્યાયિક સત્તાધિકારીઓ પાસે જ રહેવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી અને કાયદામંત્રી સમક્ષ રજૂઆત કરાશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અને કાયદામંત્રી સમક્ષ તાત્કાલિક રજૂઆત કરશે. પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત ભાડા વિધેયક-2026માં જરૂરી સુધારા કરીને ભાડા સંબંધિત તકરારોના નિર્ણયની સત્તા ફરીથી ન્યાયિક સત્તાધિકારીઓને સોંપવાની માગણી કરવામાં આવશે.

બાર કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે વકીલો અને પક્ષકારોના હિતમાં સંતોષજનક ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. રાજ્યનાં તમામ વકીલ મંડળોને ઠરાવનો અમલ કરવા અને વિરોધ કાર્યક્રમો માટે પરસ્પર સંકલન રાખવા સૂચના આપવામાં આવી છે.

ભાવનગરમાં પણ વકીલોનો વિરોધ

ભાવનગરમાં ભાડા વિધેયકના વિરોધમાં ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન, મોટર એક્સિડન્ટ ક્લેઇમ બાર એસોસિએશન અને કન્વેયન્સ પ્રેક્ટિસ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સંગઠનોએ 1થી 5 ઓક્ટોબર સુધી કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. 5 ઓક્ટોબરના રોજ કન્વેયન્સ પ્રેક્ટિસ એસોસિએશન દ્વારા દસ્તાવેજી કામગીરીથી પણ અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ હિરેન જાની, ક્રિમિનલ બારના પ્રમુખ અનિલસિંહ જાડેજા અને મોટર એક્સિડન્ટ ક્લેઇમ બારના પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું હતું કે વિધેયકના વિરોધમાં આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજીને સરકાર સમક્ષ વિરોધ વ્યક્ત કરવામાં આવશે. રાજ્યભરના વકીલો હવે સરકારના નિર્ણય અને રજૂઆતના પરિણામ પર નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai