રાજકોટ સહિત દેશભરના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂા.200 અને ચાંદીમાં પ્રતિ કિલો રૂા.3500નો ઘટાડો નોંધાતા બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા અને અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત તાજેતરના ફેરફારોની અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતા તેમજ મોટા ફંડો દ્વારા સતત વેચવાલી વધતાં સોનાના ભાવ પર દબાણ આવ્યું છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને 4,126 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યો છે.










