દાયકાઓ પહેલાં લોકો જમીન, મકાન અને દુકાન જેવી ભૌતિક મિલકતમાં રોકાણ કરતા હતા. ત્યારબાદ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણનો ટ્રેન્ડ વધ્યો. વર્ષ 2000 પછી ઈન્ટરનેટના વધતા વ્યાપ સાથે વેબસાઈટ, ડોમેઈન અને એપ્લિકેશન જેવી ડિજિટલ પ્રોપર્ટીમાં રોકાણનું નવું માર્કેટ ઊભું થયું હતું. આ ડિજિટલ પ્રોપર્ટી તૈયાર કરતા IT પ્રોફેશનલ્સની માંગ પણ ઝડપથી વધી હતી. જોકે, હવે AIના વધતા ઉપયોગથી ડિજિટલ પ્રોપર્ટી આધારિત આ વ્યવસાયિક મોડલ સામે મોટો પડકાર ઊભો થયો છે.
સામાન્ય પ્રોમ્પ્ટથી મિનિટોમાં વેબસાઈટ-એપ તૈયાર, IT ક્ષેત્રે લેઓફનો ખતરો
અગાઉ વેબસાઈટ કે એપ્લિકેશન તૈયાર કરવા માટે મહિનાઓની મહેનત અને મોટી ટીમની જરૂર પડતી હતી. હવે AIની મદદથી સામાન્ય પ્રોમ્પ્ટના આધારે ગણતરીની મિનિટોમાં અને ઓછા ખર્ચે વેબસાઈટ તથા એપ્લિકેશન તૈયાર થઈ શકે છે. તેના કારણે IT ક્ષેત્રમાં ખાસ કરીને કોડિંગ અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલી નોકરીઓ પર અસર જોવા મળી રહી છે.
એક અંદાજ મુજબ અમદાવાદમાં આગામી સમયમાં 30 ટકાથી વધુ IT પ્રોફેશનલ્સની નોકરી પર જોખમ ઊભું થઈ શકે છે. AI ઓટોમેશનને કારણે ઓરેકલ, એમેઝોન, ડેલ, માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક કંપનીઓ તેમજ વિપ્રો અને TCS જેવી ભારતીય કંપનીઓમાં પણ કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે.
અગાઉ જ્યાં 10 કોડર્સની ટીમની જરૂર પડતી હતી, ત્યાં હવે AIની મદદથી 5થી 6 કોડર્સમાં જ કામ પૂર્ણ થઈ રહ્યું છે. તેવી જ રીતે 300 લોકોની ટીમનું કામ હવે આશરે 200 લોકોમાં પૂર્ણ કરવાની દિશામાં કંપનીઓ આગળ વધી રહી છે. કેટલીક કંપનીઓ ડેવલપર, કોડર અને એન્જિનિયર જેવા AI બોટનો ઉપયોગ કરીને તેમને કર્મચારીઓની જેમ રોજિંદી કામગીરી સોંપી રહી છે.
અમદાવાદના 1.25થી 1.50 લાખ IT પ્રોફેશનલ્સ પર અસરની શક્યતા
અહેવાલો મુજબ અમદાવાદમાં આશરે 3,700 IT ફર્મ અને 1.25થી 1.50 લાખ IT પ્રોફેશનલ્સ કાર્યરત છે. AIના વધતા ઉપયોગને કારણે આગામી સમયમાં આશરે 30 ટકા એટલે કે 45,000 જેટલા કર્મચારીઓની નોકરી પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, મોટાભાગની IT કંપનીઓમાં જુનિયર લેવલની નવી ભરતીમાં ઘટાડો થયો છે. જેના કારણે અભ્યાસ પૂર્ણ કરીને IT ક્ષેત્રમાં પ્રવેશવા માગતા યુવાનો માટે નવી નોકરી મેળવવી વધુ પડકારજનક બની રહી છે.
વિદેશી ક્લાઈન્ટ્સમાં ઘટાડો, ડિજિટલ પ્રોપર્ટીની કમાણી પર પણ અસર
ભારતની IT કંપનીઓ વિદેશની સરખામણીએ ઓછા ખર્ચે વેબસાઈટ અને એપ્લિકેશન તૈયાર કરતી હોવાથી અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોમાંથી મોટા પ્રમાણમાં કામ મળતું હતું. જોકે, AIના વધતા ઉપયોગથી વિદેશી ક્લાઈન્ટ્સના કામમાં પણ ઘટાડો થવાની અસર જોવા મળી રહી છે.
અગાઉ વેબ ડેવલપર્સ ગેમિંગ, સોસાયટી, આરોગ્ય અને શિક્ષણ જેવી કેટેગરીની વેબસાઈટો રૂ.25 હજારથી રૂ.1 લાખ સુધીમાં તૈયાર કરીને આપતા હતા. જ્યારે ડેટા એનાલિટિક્સ જેવી સુવિધા ધરાવતી વેબસાઈટોની કિંમત રૂ.7થી રૂ.10 લાખ સુધી પહોંચતી હતી.
આ ઉપરાંત ડોમેઈન ઈન્વેસ્ટમેન્ટ પણ ડિજિટલ પ્રોપર્ટી માર્કેટનો એક ભાગ હતું. રોકાણકારો ચોક્કસ કીવર્ડ ધરાવતા ડોમેઈન ખરીદીને રાખતા અને તેની લોકપ્રિયતા વધ્યા બાદ ઊંચા ભાવે વેચતા. ગુજરાત, અમદાવાદ કે ગુજ્જુ જેવા 5થી 7 અક્ષરના ડોમેઈન માટે પણ રૂ.4થી રૂ.5 લાખ સુધીના ભાવ બોલાતા હતા. જોકે, હવે આ માર્કેટનો ક્રેઝ પણ ધીમો પડી રહ્યો છે.
ડિજિટલ પ્રોપર્ટીમાં શું-શું સામેલ?
વેબસાઈટ: કંપની કે દુકાનનું ઓનલાઈન સરનામું એટલે વેબસાઈટ. વધુ ટ્રાફિક અને ગ્રાહકો ધરાવતી વેબસાઈટની કિંમત પણ વધુ હોય છે.
ડોમેઈન: .com, .in સહિતના ડોમેઈન નામોની ખરીદી-વેચાણ અને હરાજી થાય છે.
એપ્લિકેશન: હોસ્પિટલ, શાળા, કોલેજ, સરકારી સેવા અને ખાનગી કંપનીઓના સંચાલન માટે ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન્સ પણ ડિજિટલ પ્રોપર્ટીનો ભાગ છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ: યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર ઊભી કરાયેલી મોટી ડિજિટલ ઓડિયન્સ પણ આર્થિક મૂલ્ય ધરાવે છે.
કઈ નોકરીઓ પર વધુ જોખમ?
AIના વધતા ઉપયોગથી જુનિયર કોડર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ, ફીચર ફેક્ટરી ડેવલપર્સ, વેબ ડેવલપર્સ, બેઝિક ટેસ્ટ એન્જિનિયર્સ અને વેબ ડિઝાઈનર્સ જેવા ક્ષેત્રોમાં નોકરીઓ પર વધુ અસર થવાની શક્યતા છે.
IT પ્રોફેશનલ્સ માટે નવા વિકલ્પો
નોકરીની તકોમાં ઘટાડા વચ્ચે કેટલાક IT પ્રોફેશનલ્સ અન્ય ક્ષેત્રોમાં વ્યવસાયિક વિકલ્પો શોધી રહ્યા છે. તેમાં ખાણી-પીણીના સ્ટોલ કે કેફે, અન્ય ક્ષેત્રની ખાનગી કંપનીઓમાં નોકરી, કોસ્મેટિક્સ માર્કેટિંગ, કમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ, ઓનલાઈન રિસેલિંગ, પરંપરાગત વ્યવસાય, સરકારી નોકરીની તૈયારી અને સ્ટાર્ટઅપ જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે.










