જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો ઝડપાતાં સરકારી અનાજની મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. બેડી બંદર રોડ પર આવેલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાંથી રૂ.18.08 લાખની કિંમતના ઘઉંની ચોરી થયાનું સામે આવ્યું છે. ગોડાઉનની છતના પતરાં ઉચકાવી અંદર પ્રવેશ કરીને ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે સિટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલા ઘઉંનો જથ્થો બેડી બંદર રોડ પરના સરકારી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. દરમિયાન સિટી બી-ડિવિઝન પોલીસની કાર્યવાહીમાં ગોડાઉનમાંથી ચોરાયેલા 150 મણ ઘઉંનો આશરે રૂ.75 હજારનો જથ્થો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ અને વાહન કબજે કરવામાં આવ્યા હતા.
બેડી પોલીસ ચોકીના PSI આર.બી. ઠાકોરે ગોડાઉનના જવાબદાર અધિકારીને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ ગોડાઉન મેનેજર અશોકકુમાર હરીભાઈ સુયક અને સ્ટાફ દ્વારા સરકારી અનાજના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ગોડાઉનમાં 50 કિલોગ્રામના કુલ 1,399 કટ્ટા ઘઉંની ઘટ હોવાનું સામે આવ્યું હતું. આ પ્રમાણે આશરે 69,950 કિલોગ્રામ એટલે કે 69.95 ટન ઘઉં ઓછા હોવાનું જણાયું હતું. સરકારી ટેકાના ભાવ મુજબ આ જથ્થાની કુલ કિંમત રૂ.18,08,207 હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
છતના પતરાં ઉચકાવી પાંચ વખત ચોરી કર્યાનું સામે આવ્યું
ગોડાઉનના CCTV ફૂટેજની તપાસ દરમિયાન ચોરી અંગે મહત્વની વિગતો સામે આવી હતી. ફરિયાદ મુજબ 24 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન આશરે પાંચ વખત ગોડાઉનની છત પરના ફાઇબરના પતરાં ઉચકાવી આરોપીઓ અંદર પ્રવેશ્યા હતા અને સરકારી ઘઉંનો જથ્થો ચોરી કર્યો હતો.
આ મામલે ઇકબાલ અબ્દુલ કમોરા, અબ્બાસ વલીમહમદ જેડા, શબીર જુસબભાઈ શેખ, અબ્દુલ વલીમહમદ જેડા અને આબિદ અબ્દુલ જેડા સામે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, ચોરાયેલો ઘઉંનો જથ્થો ક્યાં લઈ જવાયો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.










