ગુજરાત રેન્ટ બિલ મુદ્દે હડતાળ પાછી ખેંચવા સામે વકીલોનો રોષ : અમદાવાદ બાર એસોસિએશનના હોદ્દેદારોને પદ પરથી હટાવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિવાદાસ્પદ ‘ગુજરાત રેન્ટ બિલ 2026’ના વિરોધમાં ચાલી રહેલી રાજ્યવ્યાપી હડતાળ પાછી ખેંચવાની જાહેરાત બાદ અમદાવાદના વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટના વકીલોએ પોતાના જ બાર એસોસિએશનના હોદ્દેદારો સામે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા બિલ પાછું ખેંચવાનો નિર્ણય લેવાયા બાદ હડતાળ સમેટવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.

વકીલોનો આક્ષેપ હતો કે સરકાર તરફથી હડતાળ પાછી ખેંચવા અંગે કોઈ સત્તાવાર લેખિત પુરાવો મળ્યો ન હોવા છતાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બેઠકમાં ઉગ્ર પ્રશ્નોત્તરી વચ્ચે અમદાવાદ બાર એસોસિએશનના પ્રમુખે માઈક પરથી હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ માઈક તોડી તેઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા, જેના પગલે વકીલોનો રોષ વધુ ઉગ્ર બન્યો હતો.

મતદાન કરી હોદ્દેદારોને હટાવ્યા

બેઠકમાં સ્થિતિ વણસતાં સેંકડો વકીલોએ એકજૂટ થઈ મતદાન કર્યું હતું. જેમાં અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખોને હોદ્દા પરથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ નવા નેતૃત્વ માટે સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.

નવી વ્યવસ્થા હેઠળ વિનોદ દીક્ષિતને અમદાવાદ બાર એસોસિએશનના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે આઈ.ડી. પઠાણ અને કલ્પેશ પટેલને ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ છે. સ્મોલ કોઝ કોર્ટ એસોસિએશનના કાર્યકારી પ્રમુખ તરીકે સી.એમ. વિરમગામીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોર્ટની કામગીરી ઠપ્પ

નવી વ્યવસ્થા બાદ વકીલોના જૂથોએ કોર્ટરૂમમાં જઈ અસીલો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા. જેના કારણે કોર્ટની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના વકીલોએ ઠરાવ પસાર કરીને 10 ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરી આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

‘અરનેશકુમાર’ના ચુકાદાના અર્થઘટન અંગે પણ વિરોધ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એ.એ. અંસારીએ જણાવ્યું હતું કે રેન્ટ બિલ અંગેની હડતાળને બાર કાઉન્સિલે સમર્થન આપ્યું હતું. સરકારના નાયબ મુખ્યમંત્રી, સચિવ સહિતના અધિકારીઓ સાથે બેઠક બાદ સરકારે સૂચિત રેન્ટ બિલ અટકાવ્યું હોવાનું અને કોર્ટ પાસે જ સત્તા રહેશે તેવી ખાતરી આપ્યા બાદ બાર કાઉન્સિલે હડતાળ પાછી ખેંચી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે હાઈકોર્ટ સહિતની મોટાભાગની કોર્ટોમાં કામગીરી શરૂ થઈ ગઈ છે, પરંતુ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટમાં હડતાળ યથાવત હોવાની માહિતી મળી છે. સાત વર્ષ સુધીની સજાપાત્ર ગુનાઓમાં ધરપકડ અને પોલીસ કાર્યવાહી અંગેના ‘અરનેશકુમાર’ના ચુકાદાના અર્થઘટનને લઈને પણ વકીલો વિરોધ કરી રહ્યા છે. અંસારીએ કહ્યું કે આ મુદ્દે વકીલોની સમસ્યા છે અને તેનો ઉકેલ કેન્દ્ર સરકારના સ્તરે લાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai