નવરાત્રિના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. જેના ભાગરૂપે એસઓજી દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર રેલવે સ્ટેશન ખાતે એસઓજીની ટીમે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે ચેકિંગ કર્યું હતું. આ કામગીરીમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા. રેલવે સ્ટેશન પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં મુસાફરો અને તેમને લેવા-મૂકવા આવતા લોકોના વાહનોની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
રેલવે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરોના સામાનની તપાસ સાથે શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ અંગે પણ નજર રાખવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સ્ટેશનના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નશીલા પદાર્થો સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરફેર ન થાય તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
નવરાત્રિ દરમિયાન ગરબી અને રાસના કાર્યક્રમો સહિત જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી આગોતરી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. રેલવે સ્ટેશન બાદ બસ સ્ટેશન તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી.
નવરાત્રિના દિવસોમાં શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અસામાજિક તત્વો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા સાથે જાહેર સ્થળોએ ચેકિંગ વધુ સઘન બનાવાયું છે.










