રામપર બેટી ગામ પાસે હોટલના પાર્કિંગમાં PCBનો દરોડો; દારૂની 40 બોટલ અને બિયરના 120 ટીન સાથે 24 વર્ષીય ડ્રાઈવર ઝડપાયો, રિસીવર બુટલેગરની શોધખોળ શરૂ
રાજકોટ શહેરમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસની પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર રામપર બેટી ગામના પાટિયા નજીક આવેલી જય ખોડિયાર હોટલના પાર્કિંગમાં ઊભેલી આઈશર ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સહિત કુલ ₹7.87 લાખનો મુદ્દામાલ કબજે કરીને એક યુવકની ધરપકડ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે દરોડો
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન PCBના PI એમ.આર. ગોંડલિયાની રાહબરીમાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ASI મહીપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે રામપર બેટી ગામ પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલી આઈશર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને ટ્રકની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 40 બોટલ અને બિયરના 120 ટીન મળી આવ્યાં હતાં. પોલીસે દારૂ-બિયરના જથ્થાની કિંમત ₹87,444 આંકી હતી. આ ઉપરાંત આઈશર ટ્રક સહિત કુલ ₹7.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રથી દારૂ ભરી રાજકોટ આવતો હોવાનો ખુલાસો
આ કાર્યવાહી દરમિયાન પોલીસે જયદીપ નવલ વ્યાસ (ઉંમર 24 વર્ષ), જે મવડી ચોકડી નજીક જશરાજનગરની શેરી નંબર-1માં રહે છે, તેની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવક ટ્રક ચલાવવાનું કામ કરે છે અને મહારાષ્ટ્ર તરફ ફેરો મારવા ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રથી પરત ફરતી વખતે તેણે અલગ-અલગ દારૂના ઠેકાણાં પરથી દારૂ અને બિયરનો જથ્થો મેળવ્યો હતો. આ જથ્થો રાજકોટમાં રહેતા તેના પરિચિત દર્શન વ્યાસ નામના વ્યક્તિને પહોંચાડવાનો હોવાની વિગતો સામે આવી છે.
રિસીવર દર્શન વ્યાસની શોધખોળ
દારૂનો જથ્થો તેના નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલાં જ PCBની ટીમે દરોડો પાડીને ટ્રકચાલકને ઝડપી લીધો હતો. હવે પોલીસે કથિત રિસીવર દર્શન વ્યાસને શોધવા માટે તપાસ તેજ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલ અને આરોપીની પૂછપરછના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.










