એમ્બ્રોડરી એકમોના કામદારોના વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસ એક્શનમાં; મજૂર યુનિયનના અગ્રણી નેતાઓ સહિત અનેકની અટકાયત
સુરત, તા. 15 ઑક્ટોબર: સુરતના એમ્બ્રોડરી એકમોમાં કામ કરતા શ્રમિકોએ પગારવધારો અને સાપ્તાહિક રજાની માગ સાથે મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કર્યું હતું. જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને મજૂર યુનિયનના અગ્રણી નેતાઓ સહિત અનેક શ્રમિકોની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ, પાંડેસરા પોલીસે મજૂર આગેવાન સુરેશ સોનવણે સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. બીજી તરફ, કેટલાક શ્રમિકો પોતાની માગણીઓ સાથે કલેક્ટર કચેરી બહાર એકત્રિત થયા હતા. જોકે, વિરોધ પ્રદર્શન માટે મંજૂરી ન હોવાના કારણે પોલીસે શ્રમિકોને ડિટેઈન કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસની કાર્યવાહી દરમિયાન કેટલાક શ્રમિકોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે કેટલાકને દોડાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. શ્રમિકોને લઈ જવા માટે પોલીસની 10થી વધુ બસ અને વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીસીપીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 70 શ્રમિકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.
મજૂર સંગઠનોના આગેવાનો પણ પોલીસ કસ્ટડીમાં
આ કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રીય મજદૂર સેનાના પ્રમુખ સુરેશ સોનવણે, સુરત સંઘર્ષ લેબર યુનિયનના પ્રમુખ રમાકાંત પાંડે, સાર્વજનિક મજદૂર એકતા યુનિયનના પ્રમુખ મલખાનસિંહ વર્મા, સીજેપીના સભ્ય સંદીપ પટેલ અને કામદાર વિનય પાઠકની પણ અટકાયત કરવામાં આવી હતી.
શ્રમિકોની મુખ્ય માગણીઓમાં પગારમાં વધારો અને સાપ્તાહિક રજાનો સમાવેશ થાય છે. આ માગણીઓને લઈને આયોજિત આંદોલન પહેલાં જ પોલીસની કાર્યવાહી થતાં સુરતના એમ્બ્રોડરી એકમોના શ્રમિકોમાં હલચલ મચી હતી.










