અમદાવાદમાં એક તરફ પાણીકાપ, બીજી તરફ પીવાના પાણીનો બેફામ વેડફાટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બાપુનગરમાં એક અઠવાડિયાથી અને ખોખરામાં 20 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવાનો આક્ષેપ; રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને અકસ્માતનો ભય

અમદાવાદમાં એક તરફ 25 ઓક્ટોબરે વિવિધ વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવ્યો હતો, તો બીજી તરફ પાણીની લાઈનોમાં લીકેજના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. બહેરામપુરા, શાહપુર દરવાજા, બાપુનગર અને ખોખરા સહિતના વિસ્તારોમાં પાણીની લાઈનોમાં ભંગાણને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતાં ચોમાસા જેવા દૃશ્યો સર્જાયા છે. પીવાનું પાણી લોકો સુધી પહોંચવાને બદલે ગટરમાં વહી જતાં મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બાપુનગર અને ખોખરામાં લાંબા સમયથી લીકેજની ફરિયાદ

મળતી માહિતી મુજબ, બાપુનગરમાં ચાંદોડિયા પોલીસ ચોકી નજીક બ્લોક નંબર 25 પાસે પાણીની પાઈપલાઈનમાં છેલ્લા એક અઠવાડિયાથી ભંગાણ હોવાની ફરિયાદ છે. જેના કારણે સતત પાણી રસ્તા પર વહી રહ્યું છે. બીજી તરફ, ખોખરાના સર્વોદયનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 167 સામે છેલ્લા 20 દિવસથી પાણીની લાઈનમાં લીકેજ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

રસ્તાઓ પર પાણી ભરાતાં અકસ્માતનો ભય

પાણી સતત રસ્તા પર વહેતા માર્ગો પર ચીકાશ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ટુ-વ્હીલર સહિતનાં વાહનો લપસી જવાની અને અકસ્માત થવાની શક્યતા વધી છે. બીજી તરફ, પાઈપલાઈનમાંથી પાણી વેડફાતાં આસપાસના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની પણ ફરિયાદો છે. પરિણામે સ્થાનિક રહીશોને દૈનિક વપરાશ માટે પૂરતું પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

પૂર્વ અમદાવાદમાં તંત્રની કામગીરી સામે સવાલો

દાણીલીમડા, અમરાઈવાડી અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં પણ પાણીની લાઈનોમાં લીકેજ હોવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સમારકામમાં વિલંબ થઈ રહ્યો છે. એક તરફ પાણીની અછતને કારણે પાણીકાપ મૂકવામાં આવે છે અને બીજી તરફ લીકેજના કારણે શુદ્ધ પાણીનો વેડફાટ થતો હોવાની સ્થિતિએ પાણી પુરવઠા વિભાગની કામગીરી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ફરિયાદોનો ઝડપી નિકાલ કરી પાણીનો વેડફાટ અટકાવવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai