85 વર્ષીય રખમાઈબેન બાંભણિયા ઘરમાં એકલાં હતાં ત્યારે અજાણ્યા શખસોએ કર્યો હુમલો; હત્યા અને લૂંટના બનાવથી ગામમાં ચકચાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામે લૂંટના ઇરાદે 85 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોતાના ઘરમાં એકલાં રહેતાં રખમાઈબેન પીઠાભાઈ બાંભણિયાની ધારદાર હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના કાન કાપીને સોનાના બુટ્ટા અને ગળામાંથી ચેન લૂંટી લેવામાં આવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બપોરના સમયે ઘરમાંથી મળી લોહીલુહાણ લાશ
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, રખમાઈબેન ભીંગરણ ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર-1 નજીક આવેલા મકાનમાં એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર નજીકની વાડીના મકાનમાં રહેતો હતો. રવિવારે બપોરે 2થી 3:30 વાગ્યાની આસપાસ અજાણ્યા શખસોએ ઘરમાં પ્રવેશ કરીને વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની આશંકા છે. બાદમાં સંબંધીઓ તેમને મળવા પહોંચતાં ઘરમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો એકત્ર થયા હતા અને સરપંચે પોલીસને જાણ કરી હતી.
કાન કાપી સોનાના દાગીના લૂંટ્યાની આશંકા
પ્રાથમિક વિગતો અનુસાર, હુમલાખોરોએ વૃદ્ધાના ગળા પર ધારદાર હથિયારથી ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ તેમના બંને કાન કાપીને સોનાના બે બુટ્ટા અને ગળામાંથી સોનાની ચેન લઈ ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. વૃદ્ધાની હત્યા અને દાગીનાની લૂંટની ઘટનાથી ગામમાં શોકની લાગણી સાથે રોષ ફેલાયો છે.
નવાબંદર પોલીસ દ્વારા તપાસ શરૂ
બનાવની જાણ થતાં નવાબંદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હત્યા અને લૂંટના બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસવા ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનામાં કોણ સંડોવાયેલું છે અને લૂંટાયેલા દાગીના ક્યાં છે તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
વૃદ્ધ નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા
ગામમાં ઘરમાં એકલાં રહેતાં વૃદ્ધાની હત્યાની આ ઘટનાએ એકલાં રહેતા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે. પોલીસે આરોપીઓને શોધી કાઢવા અને બનાવનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરી છે.










