276 બોટલ દારૂ સહિત રૂ. 4.09 લાખનો મુદ્દામાલ કબજે; દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ત્રણ આરોપીની શોધખોળ
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી બેલા તરફ જતા કાચા રસ્તા પર વોકળા નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની 276 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4,09,460નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે તળાવીયા શનાળા ગામથી બેલા તરફ જતા કાચા રસ્તે સફેદ રંગની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 276 બોટલ મળી આવી હતી.
પોલીસે રૂ. 1,94,460નો વિદેશી દારૂ, રૂ. 2 લાખની ઇકો કાર અને રૂ. 15 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4,09,460નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ડાયાભાઈ હડીયલ (ઉંમર 21 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન દારૂ મોકલનાર તરીકે મુળી તાલુકાના સડલા ગામના વિજય રાતડીયા, દારૂ મંગાવનાર તરીકે મકનસરના રોહિત અને તળાવીયા શનાળાના રોહિત રાજેશભાઈ કગથળાનાં નામ સામે આવ્યાં હતાં. પોલીસે કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ એન.એસ. ઘેટિયા અને પીએસઆઈ સી.એસ. સોંદરવાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.










