જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં રાહત પેકેજની જાહેરાત : પશુદીઠ રોજના ₹80ની સહાય, ઘાસચારો અને રોજગારીની વ્યવસ્થા કરાશે
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની ઘટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો હોવા છતાં આ ચાર જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન પર અસર પડી છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ભારત સરકારની દુષ્કાળ માર્ગદર્શિકા-2016 મુજબ જરૂરી પ્રક્રિયા હાથ ધર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદની ઘટ અને જળાશયોમાં ઉપલબ્ધ પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને રાહત આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા ચાર જિલ્લાઓમાં ખેડૂતોને પાક નુકસાની અને રાહત પેકેજ અંતર્ગત હેક્ટરદીઠ ₹8,500ની નાણાકીય સહાય આપવાનું આયોજન છે. આ સહાય માટે બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને પાક નુકસાનીના વળતર સહિતની સહાય અંગેની વ્યવસ્થા કરવામાં આવશે.
પશુપાલકોને પણ રાહત
પશુપાલકોને રાહત આપવા માટે બે મહિના સુધી પશુદીઠ દરરોજ ₹80ની સહાય આપવાનું આયોજન છે. પશુઓ માટે રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ ઘાસ ડેપો ઊભા કરવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં આશરે ત્રણ કરોડ કિલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ વધુ જથ્થાની વ્યવસ્થા કરવામાં આવશે.
રોજગારી અને અન્ય રાહતોની વ્યવસ્થા
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામ્ય પરિવારોને રોજગારી પૂરી પાડવા માટે જી-રામજી યોજના અને મનરેગા હેઠળ કામોની વ્યવસ્થા કરવાનું આયોજન છે. આ ઉપરાંત પીવાના પાણીની ઉપલબ્ધતા જાળવવા, ઘાસચારો પૂરતો મળી રહે અને ખેડૂતો-પશુપાલકોને જરૂરી સહાય પહોંચે તે માટે પગલાં લેવામાં આવશે. વીજળી બિલ અને જમીન મહેસૂલમાં રાહત સહિતની જોગવાઈઓ અંગે પણ જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને રાહતકાર્યો અમલમાં મૂકશે. આ નિર્ણયથી ચારેય જિલ્લાઓના ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલ પરિસ્થિતિમાં સહાય મળવાની અપેક્ષા છે. બીજી તરફ, ઓછો વરસાદ પડેલા અન્ય તાલુકાઓને પણ રાહતના દાયરામાં સામેલ કરવાની માંગ ઊઠી રહી છે.










