GujRERAની તપાસમાં નાણાકીય હિસાબોમાં વિસંગતતા સામે આવી; 30 દિવસમાં દંડ ભરવાનો આદેશ, પ્રોજેક્ટના ખાતામાંથી રકમ ઉપાડવા કે ગ્રાહકો પાસેથી વસૂલવા પર પ્રતિબંધ
વડોદરાના જાણીતા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ‘પ્રાઇમ કુટીર’ (Prime Kutir)ના પ્રમોટર પ્રાઇમ ક્રિએટર્સ સામે ગુજરાત રિયલ એસ્ટેટ નિયામક સત્તામંડળ (GujRERA)એ કાર્યવાહી કરી છે. પ્રોજેક્ટના નાણાકીય હિસાબો અને RERAના નિયમોના પાલનમાં વિસંગતતા જણાતાં સત્તામંડળે પ્રમોટરને રૂ. 18,05,000નો દંડ ફટકાર્યો છે. આ કેસની સુનાવણી અધિકૃત અધિકારી પી.આર. પટેલ સમક્ષ થઈ હતી અને તાજેતરમાં અંતિમ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
રૂ. 31.32 કરોડના પ્રોજેક્ટના હિસાબોની તપાસ
વડોદરામાં આવેલા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 31.32 કરોડ હોવાનું જણાવાયું છે. GujRERAએ પ્રોજેક્ટ દ્વારા ઑનલાઇન રજૂ કરવામાં આવેલા ફોર્મ-5 અને નાણાકીય હિસાબોની તપાસ કરતાં નાણાકીય વ્યવહારોમાં કેટલીક અનિયમિતતાઓ નોંધી હતી.
તપાસમાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ગ્રાહકો પાસેથી મળેલી રકમમાંથી 70 ટકા રકમ અલગ પ્રોજેક્ટ બેંક ખાતામાં જમા કરાવવાની પ્રક્રિયામાં સમયમર્યાદા સંબંધિત વિસંગતતા સામે આવી હતી. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2023-24માં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રકમ ઉપાડવામાં આવી હોવાનું પણ સત્તામંડળે નોંધ્યું હતું.
પ્રમોટરનો બચાવ સત્તામંડળે સ્વીકાર્યો નહીં
પ્રોજેક્ટ તરફથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભુવનેશકુમાર ડી. સરવારે રજૂઆત કરી હતી અને બેંક વ્યવહારોના પુરાવા પણ રજૂ કર્યા હતા. પ્રમોટર તરફથી દલીલ કરવામાં આવી હતી કે પ્રોજેક્ટનું કામ સમયસર પૂર્ણ થયું હતું અને નાણાકીય વ્યવહારોમાં થયેલી ભૂલ પાછળ કોઈ ખોટી દાનત નહોતી.
જોકે, સત્તામંડળે આ દલીલો સ્વીકારી નહોતી. આદેશમાં RERAના નાણાકીય નિયમોનું પાલન અને પ્રોજેક્ટના નાણાંનું યોગ્ય સંચાલન જરૂરી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. સત્તામંડળે સંબંધિત ન્યાયિક ચુકાદાઓનો ઉલ્લેખ કરીને નાણાકીય શિસ્તના પાલન પર ભાર મૂક્યો હતો.
30 દિવસમાં દંડ ભરવાનો આદેશ
GujRERAના આદેશ મુજબ, પ્રમોટરે રૂ. 18.05 લાખનો દંડ આદેશ મળ્યાના 30 દિવસની અંદર જમા કરાવવાનો રહેશે. સાથે જ દંડની રકમ પ્રોજેક્ટના સત્તાવાર RERA બેંક ખાતામાંથી ઉપાડી શકાશે નહીં અને ગ્રાહકો પાસેથી પણ વસૂલ કરી શકાશે નહીં, તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નિયમોના પાલન પર ભાર
આ કાર્યવાહીથી પ્રોજેક્ટના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવવા અને RERAના નિયમોનું પાલન કરવા અંગે ફરી ધ્યાન કેન્દ્રિત થયું છે. બિલ્ડરો અને ડેવલોપરો માટે ગ્રાહકો પાસેથી મળતી રકમનો નિર્ધારિત નિયમો અનુસાર ઉપયોગ કરવો અને નાણાકીય હિસાબો યોગ્ય રીતે રજૂ કરવા કેટલું મહત્ત્વનું છે, તે આ કેસ ફરી દર્શાવે છે.










