તહેવારો પહેલાં રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી: ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અટીકા-આહીર ચોક અને ન્યુ નહેરુનગરમાં દરોડા; 553 ગેસ સિલિન્ડર સહિત રૂ. 4.63 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ગુનામાં કુલ 22 શખ્સો સામે કાર્યવાહી

રાજકોટ, તા. 30: તહેવારોના સમયગાળા પહેલાં રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ગેરકાયદે ગેસ રિફિલિંગ અને સંગ્રહખોરીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. અટીકા વિસ્તારના આહીર ચોક નજીક આવેલા ન્યુ નહેરુનગરમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને પોલીસે કુલ 553 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. બંને કેસમાં કુલ 22 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી કેટલાકની ધરપકડ કરાઈ છે અને અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

SMCની ટીમને ખાનગી બાતમીના આધારે ન્યુ નહેરુનગર, અટીકા સાઉથ અને આરતી મેઇન રોડ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ, સિલિન્ડરનો સંગ્રહ અને કાળા બજારમાં વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ટીમે પાંચથી વધુ સ્થળોએ આવેલા મકાનો અને ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ઘરવપરાશ અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાનું કામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.

પ્રથમ દરોડામાં 313 સિલિન્ડર જપ્ત

SMCના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદના આધારે પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. અટીકા આહીર ચોક નજીક ન્યુ નહેરુનગરની શેરી નંબર 6, 8 અને 10 સહિતના વિસ્તારોમાં દરોડા દરમિયાન 313 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ કેસમાં અમિત ધીરુભાઈ ડાંગર અને આશિષ રમેશભાઈ ગોંગરાની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત ધીરૂ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, ઉમેશ પ્રભાતભાઈ બોરીયા સહિતના અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, આરોપીઓ પોતાના તેમજ ભાડાના ગોડાઉનમાં ઘરવપરાશ અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો સંગ્રહ કરતા હતા અને અનધિકૃત રીતે એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરતા હતા.

બીજા દરોડામાં 201 સિલિન્ડર કબજે

SMCના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે બીજો ગુનો નોંધાયો છે. ન્યુ નહેરુનગર, અટીકા સાઉથની શેરી નંબર 4 અને આરતી મેઇન રોડની શેરી નંબર 2માં આવેલા મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી વધુ 201 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

આ કેસમાં હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા, રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરી સહિત પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગેસ એજન્સીઓ સાથે જોડાયેલા લોકોની સંડોવણીની તપાસ

પોલીસ તપાસમાં અલગ-અલગ ગેસ એજન્સીઓમાંથી સિલિન્ડરની ડિલિવરી સાથે સંકળાયેલા કેટલાક લોકોનાં નામ પણ સામે આવ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઇન્ડેન, ભારત, એચપી, રિલાયન્સ સહિતની વિવિધ કંપનીઓના સિલિન્ડરનો ગેરકાયદે સંગ્રહ અને રિફિલિંગ થતું હોવાની આશંકા છે. આ સિલિન્ડર શહેરમાં ઊંચા ભાવે વેચવામાં આવતા હોવાના પણ આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, ઘરવપરાશના સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ માટે ગેરકાયદે વેપાર થતો હતો. જ્વલનશીલ ગેસનું બેદરકારીપૂર્વક રિફિલિંગ અને સંગ્રહ કરવામાં આવતો હોવાથી આસપાસના રહેવાસીઓની સલામતી સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે તેમ હતું.

રૂ. 4.63 લાખનો મુદ્દામાલ જપ્ત

બંને દરોડા દરમિયાન SMCએ કુલ 553 ગેસ સિલિન્ડર ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા, સીલ, વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. 4,63,445નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને ગુનામાં આવશ્યક ચીજવસ્તુ ધારા અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

હાલ બંને કેસની વધુ તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ. ગોહિલ અને તેમની ટીમે હાથ ધરી છે. વોન્ટેડ જાહેર કરાયેલા શખ્સોને શોધવા અને ગેરકાયદે રિફિલિંગના નેટવર્કમાં અન્ય કોની સંડોવણી છે તે અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો

ન્યુ નહેરુનગર જેવા રહેણાક વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે ગેસ રિફિલિંગ અને સિલિન્ડરનો સંગ્રહ થતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક પુરવઠા તંત્ર અને પોલીસની દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, સ્થાનિક તંત્રની કોઈ સંડોવણી કે રહેમરાહ અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગેસ રિફિલિંગના જોખમી કારોબારને સમયસર અટકાવવામાં આવ્યો હોત તો સંભવિત દુર્ઘટનાનું જોખમ ટાળી શકાયું હોત કે કેમ તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai