ભીલડીમાં રૂ. 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; ખાટલા સભામાં ખેડૂતોને સંબોધન કરી MSP મુદ્દે અગાઉની સરકારો પર કર્યા પ્રહાર
બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો પ્રારંભ બનાસકાંઠાના ભીલડીથી થયો છે. અહીં તેમણે રૂ. 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત બનાસડેરી દ્વારા પશુઓની સુધારેલી ઓલાદ અને દૂધ ઉત્પાદન વધારવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી ઈટી-આઈવીએફ લેબોરેટરી તથા બ્રીડિંગ અને રિસર્ચ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું.
ભીલડી પહોંચેલા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે રોડ શો યોજ્યો હતો, જેમાં રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શો દરમિયાન લોકોએ ‘મોદી કહી નહીં જાયેગા’ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાને અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ ટ્રેન અને મહેસાણા-બહુચરાજી-સાબરમતી મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
વિશાળ ખાટલા સભાને વડાપ્રધાને બિરદાવી
બનાસડેરીના મેદાનમાં યોજાયેલી વિશાળ સભામાં પરંપરાગત ખુરશી અને સોફાના બદલે હજારો ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડૂતો અને અન્ય મહેમાનો ખાટલા પર બેસીને સભામાં જોડાયા હતા. આ અનોખી વ્યવસ્થાને લઈને વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના લોકોની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “બનાસકાંઠાના લોકોએ આજે વટ પાડી દીધો છે.” આટલી વિશાળ ખાટલા સભા અગાઉ ક્યાંય યોજાઈ ન હોય તેવો ઉલ્લેખ કરતાં તેમણે આ આયોજનને બિરદાવ્યું હતું. આ સભાની ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી અંગે પણ કાર્યક્રમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોના ખાતામાં PM કિસાનનો 24મો હપ્તો જમા
વડાપ્રધાન મોદીએ સભા દરમિયાન જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કર્યો હતો. આ અંતર્ગત પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 2,000ની સહાય જમા કરવામાં આવી હતી. ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજનાના હપ્તાની જાહેરાતથી સભામાં ઉપસ્થિત ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
MSP મુદ્દે અગાઉની સરકારો પર પ્રહાર
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોને ટેકાના ભાવ (MSP)ના મુદ્દે અગાઉની સરકારો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારોએ ટેકાના ભાવ અંગે ખેડૂતોને આપેલાં વચનો પૂર્ણ કર્યા નહોતાં, જ્યારે તેમની સરકારે ખેડૂતોને આપેલાં વચનો પૂરાં કર્યાં છે.
બનાસડેરીમાં શરૂ કરવામાં આવેલી ઈટી-આઈવીએફ લેબોરેટરી અને બ્રીડિંગ તથા રિસર્ચ સેન્ટર અંગે તેમણે જણાવ્યું હતું કે આ સુવિધાઓથી પશુઓની સુધારેલી ઓલાદના વિકાસને પ્રોત્સાહન મળશે અને રાષ્ટ્રીય ગોકુલ મિશનને પણ વેગ મળશે.
હર્ષ સંઘવીએ લગાવડાવ્યા ‘મોદી કહી નહીં જાયેગા’ના નારા
સભા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત વિશાળ જનમેદની પાસે ‘મોદી કહી નહીં જાયેગા’ના નારા લગાવડાવ્યા હતા. બનાસડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાનના આગમનને બનાસકાંઠા માટે દિવાળી સમાન ગણાવ્યું હતું.
સભાસ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનનું કોટી અને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશના કરોડો લોકોમાં વિકાસનો વિશ્વાસ ઊભો કર્યો છે. જ્યારે હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો હતો કે તેઓ સવારે ઊઠીને વડાપ્રધાન મોદીની ટીકા કરે છે.
વિકાસકાર્યોના લોકાર્પણ, નવી રેલવે સેવાઓની શરૂઆત, ખેડૂતોને સહાયના હપ્તાની જાહેરાત અને વિશાળ જનસભા સાથે વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો પ્રથમ દિવસ બનાસકાંઠામાં પૂર્ણ થયો હતો.










