નવાગામની 9 એકરથી વધુ જમીનનો વિવાદ; 33 વર્ષના વિલંબને ધ્યાનમાં રાખી મહેસૂલ વિભાગનો 2008નો હુકમ રદ, કલેક્ટરનો નિર્ણય યથાવત
જામનગર: જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માટે ફાળવવામાં આવેલી આશરે નવ એકરથી વધુ જમીન અંગેના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના વિશેષ સચિવે વર્ષ 2008માં આપેલો હુકમ રદ કર્યો છે અને જામનગર કલેક્ટરનો વર્ષ 2006નો નિર્ણય યથાવત રાખ્યો છે. આ નિર્ણય સાથે દાયકાઓ જૂની જમીન પુનઃફાળવણીની માગને ફગાવવાનો કલેક્ટરનો અભિગમ માન્ય રહ્યો છે.
નવાગામની જમીનનો 60 વર્ષ જૂનો વિવાદ
આ વિવાદ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ ગામની આશરે 9 એકર અને 7 ગુંઠા જમીનને લગતો છે. જૂન 1962માં આ જમીન દેવા સજન રબારીને ખેતીના હેતુથી ફાળવવામાં આવી હતી. ફાળવણીની શરતો મુજબ બે વર્ષમાં જમીનનો કબજો મેળવી ખેતી શરૂ કરવાની હતી.
જોકે, નિયત સમયમર્યાદામાં જમીનનો કબજો લેવામાં આવ્યો ન હતો કે ખેતી શરૂ કરવામાં આવી હોવાના પુરાવા રજૂ થયા નહોતા. આ કારણસર ડિસેમ્બર 1972માં તત્કાલીન સત્તાધિકારીઓએ જમીનની ફાળવણી રદ કરી દીધી હતી અને જમીનને સરકારી પડતર તરીકે નોંધવામાં આવી હતી.
33 વર્ષ બાદ વારસદારોએ કરી પુનઃફાળવણીની માગ
વર્ષ 2005માં મૂળ જમીન ફાળવણી મેળવનાર દેવા સજન રબારીના કાનૂની વારસદારોએ સરકારના વર્ષ 1982ના ઠરાવનો આધાર લઈને જમીન પુનઃફાળવવાની માગ કરી હતી. આ અંગે તેમણે જામનગર કલેક્ટર સમક્ષ અરજી કરી હતી.
જોકે, મે 2006માં કલેક્ટરે જમીનની મૂળ ફાળવણી રદ થયાને 33 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાનું ધ્યાનમાં રાખીને અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ઑક્ટોબર 2008માં રાજ્યના મહેસૂલ વિભાગના વિશેષ સચિવે કલેક્ટરનો નિર્ણય રદ કરીને મામલો પુનઃવિચારણા માટે મોકલ્યો હતો.
SEZ માટે રિલાયન્સને જમીન ફાળવાઈ હતી
દરમિયાન, એપ્રિલ 2008માં ગુજરાત સરકારે જામનગરમાં પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે આશરે 10,000 એકર જમીનના ફાળવણી પેકેજના ભાગરૂપે વિવાદિત જમીન પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ફાળવી હતી. કંપનીએ જમીનનું નિર્ધારિત મૂલ્ય ચૂકવીને તેનો કબજો મેળવ્યો હતો અને વિકાસલક્ષી કામગીરી પણ શરૂ કરી હતી.
આ પછી મહેસૂલ વિભાગના વિશેષ સચિવના હુકમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપની તરફથી દલીલ કરવામાં આવી હતી કે દાયકાઓ પહેલાં રદ થયેલી જમીન ફાળવણીનો મુદ્દો આટલા લાંબા સમય બાદ ફરી ખોલવો યોગ્ય નથી. તેનાથી કંપનીના જમીન સંબંધિત હકો અને કરવામાં આવેલા રોકાણ પર અસર થઈ શકે છે.
હાઈકોર્ટે 33 વર્ષના વિલંબને ગણાવ્યો મહત્ત્વનો મુદ્દો
ન્યાયમૂર્તિ દેવન એમ. દેસાઈએ 14 ઑક્ટોબરે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે મૂળ જમીન ફાળવણી રદ કરવામાં આવી ત્યારે દેવા સજન રબારીએ પોતાના જીવનકાળ દરમિયાન આ નિર્ણયને પડકાર્યો નહોતો. તેમના વારસદારોએ પણ લાંબા સમય સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરી નહોતી. 33 વર્ષના વિલંબ પાછળનું સંતોષકારક કારણ પણ રજૂ કરવામાં આવ્યું નથી.
કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી હતી કે મૂળ ફાળવણી મેળવનાર દ્વારા જમીનનો કબજો લેવામાં આવ્યો હતો અથવા નિયત સમયમર્યાદામાં ખેતી શરૂ કરવામાં આવી હતી તે દર્શાવતા પૂરતા પુરાવા રજૂ થયા નહોતા. માત્ર જમીન ખેતી હેઠળ હતી એવો દાવો સ્વીકારવા માટે પૂરતો આધાર ન હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
હાઈકોર્ટના અવલોકન મુજબ, મહેસૂલ વિભાગના વિશેષ સચિવે 33 વર્ષના વિલંબને યોગ્ય મહત્ત્વ આપ્યું નહોતું. ઉપરાંત, જરૂરી પુરાવા વિના જમીન ખેતી હેઠળ હોવાની રજૂઆતને આધાર બનાવી નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહેસૂલ વિભાગનો 2008નો હુકમ રદ
હાઈકોર્ટે જમીન લાંબા સમય સુધી સરકારની માલિકીમાં રહી હોય, તેની કિંમતમાં વધારો થયો હોય અને તેનો ઉપયોગ બિનખેતી હેતુ માટે થતો હોય તેવા કિસ્સામાં પુનઃફાળવણી ન કરવાની જોગવાઈ ધરાવતા વર્ષ 1984ના સરકારી ઠરાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મહેસૂલ વિભાગના વિશેષ સચિવનો ઑક્ટોબર 2008નો હુકમ રદ કર્યો હતો અને જામનગર કલેક્ટરનો મે 2006નો નિર્ણય યથાવત રાખ્યો હતો. પરિણામે, રિલાયન્સને ફાળવાયેલી જમીન અંગે વારસદારોની પુનઃફાળવણીની માગને માન્યતા મળી નથી.
બંને પક્ષે વકીલોની રજૂઆત
આ કેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી વરિષ્ઠ વકીલ મિહિર જોશી સાથે વકીલ કુણાલ વ્યાસ, દેવરશ ત્રિવેદી અને શિવમ ચોક્સી હાજર રહ્યા હતા. મૂળ જમીન ફાળવણી મેળવનારના વારસદારો તરફથી વકીલ મનન બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી, જ્યારે રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર રાજવી શાહે દલીલો કરી હતી.










