બે દિવસમાં ચાંદીમાં રૂ. 11 હજારથી વધુનો ઘટાડો; ધનતેરસ અને દિવાળીની ખરીદી પર વેપારીઓની નજર
વૈશ્વિક ઘટનાક્રમોની અસર હેઠળ સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. આજે પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો નોંધાયો હતો. રાજકોટના બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 1,700નો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં રૂ. 7,000નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં માત્ર બે દિવસમાં રૂ. 11 હજારથી વધુનો ઘટાડો થતાં બજારમાં ચર્ચા તેજ બની છે.
રાજકોટમાં સોનું રૂ. 1.45 લાખે પહોંચ્યું
રાજકોટમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,700 ઘટીને રૂ. 1.45 લાખ થયો હતો. બીજી તરફ વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ. 985 ઘટીને રૂ. 1,41,610 નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં પણ સોનાનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ 4,000 ડોલરની સપાટીથી નીચે સરકી રૂ. 3,988 ડોલર થયો હતો.
ચાંદીમાં પણ મોટો ઘટાડો
ચાંદીના ભાવમાં પણ ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 39.90 ડોલર નોંધાયો હતો. સ્થાનિક બજારમાં હાજર ચાંદીનો ભાવ રૂ. 1.90 લાખ રહ્યો હતો, જ્યારે વાયદા બજારમાં રૂ. 4,250ના ઘટાડા સાથે ભાવ રૂ. 1,85,200 થયો હતો.
ધનતેરસ-દિવાળીની ખરીદી પર નજર
બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, વૈશ્વિક ઘટનાક્રમોની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી રહી છે. અમેરિકામાં વ્યાજદર યથાવત રહેવા છતાં સોના-ચાંદીના બજારમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
સતત ઘટતા ભાવોને કારણે હવે ધનતેરસ અને દિવાળીની ખરીદી કેવી રહે છે તેના પર વેપારીઓની નજર છે. બીજી તરફ રોકાણકારો અને લગ્નસરાની ખરીદી કરવાની તૈયારી કરી રહેલા પરિવારો વધુ ભાવઘટાડાની રાહ જોઈ રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં ધનતેરસના દિવસે પરંપરાગત શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો કેટલો ઉત્સાહ બતાવશે તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારની ચાલ અને સ્થાનિક ભાવના આધારે ખરીદીનો માહોલ નક્કી થશે.










