તહેવારને ધ્યાનમાં રાખીને 46 પેઢીઓમાં ચેકિંગ; 5 દુકાનોને નોટિસ, રૂ. 3,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો અને 12 નમૂના લેબોરેટરીમાં મોકલાયા
દિવાળીના તહેવાર પહેલાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને અસ્વચ્છતા અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત શહેરની મીઠાઈ, ફરસાણ, નાસ્તા, કોલ્ડ્રિન્ક્સ અને અન્ય ખાદ્યપદાર્થોની કુલ 46 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 22 કિલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
5 પેઢીઓને નોટિસ, 12 નમૂના તપાસ માટે મોકલાયા
તપાસ દરમિયાન સ્ટોરેજની વ્યવસ્થા, લાઇસન્સ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતી પાંચ પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત કુલ રૂ. 3,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ ખાદ્યપદાર્થોના કુલ 12 નમૂના લેવામાં આવ્યા હતા, જે ગુણવત્તા અને ભેળસેળની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ઠંડાં પીણાં અને દાઝેલા તેલનો નાશ
એ.જી. ચોક, પુષ્કરધામ રોડ કોર્નર અને કાલાવડ રોડ વિસ્તારમાં આવેલી હરિયોગી લાઇવ પફમાંથી લેબલ વગરનાં પડતર ઠંડાં પીણાંનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બદલ રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
પરાબજાર ખાતે ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસે આવેલી માઁ વૈષ્ણવી કેળા વેફરમાંથી 10 કિલો દાઝેલા તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
સ્ટોરેજ અને લેબલિંગ મુદ્દે કાર્યવાહી
લાખના બંગલા પાસેના મેઇન રોડ પર આવેલી જય દ્વારકાધીશ ચાઇનીઝ પંજાબીને સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. શ્રી બાલાજી ફરસાણ માર્ટને મીઠાઈ પર ‘યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી અને રૂ. 1,000નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. અહીંથી ગુંદીના લાડુ અને ચવાણાના નમૂના પણ લેવામાં આવ્યા હતા.
વિવિધ દુકાનોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા
ફૂડ વિભાગે નંદા બ્રધર્સ, કંસારા બજાર નવાનાકા મેઇન રોડ પરથી ચોકો બોલ કન્ફેક્શનરી અને મિક્સ મુખવાસના નમૂના લીધા હતા. રામેશ્વર ડેરી ફાર્મ, નંદનવન ટાવર ખાતેથી ભાખરવડી નમકીન અને કાજુ કતરીના નમૂના લેવામાં આવ્યા હતા.
પરાબજાર મેઇન રોડ પર આવેલી અમૃત મુખવાસમાંથી તલ-અળસીનો મિક્સ મુખવાસ અને મીઠા પાન મસાલા માઉથ ફ્રેશનરના નમૂના લેવાયા હતા. નવા નાકા રોડ પર જૂની પ્રહલાદ ટોકીઝ પાસે આવેલા પ્રકાશ સ્ટોર્સમાંથી આમળા કેન્ડી અને તલ-ધાણાદાળ મિક્સ મુખવાસના નમૂના લેવામાં આવ્યા હતા.
ન્યુ એમ્પાયર બિલ્ડિંગ, ઇન્દિરા સર્કલ પાસેની પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મમાંથી કાજુ કેરેમલ લાડુ અને મકાઈ પૌવા ડ્રાયફ્રૂટ ચેવડાના નમૂના લેવામાં આવ્યા હતા. એ.જી. ચોક વિસ્તારમાં આવેલી આશાપુરા હોટલ (પાન કોલ્ડ્રિન્ક્સ)ને લાઇસન્સ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ
આ ઉપરાંત રામેશ્વર ચોક અને નાણાવટી મેઇન રોડ સહિતના વિસ્તારોમાં વિશ્વાસ પ્રોવિઝન સ્ટોર, હિંગળાજ ફાસ્ટ ફૂડ, ચામુંડા ફરસાણ, વી.એસ. એન્ટરપ્રાઇઝ, ધ ગીર દેશી ભાણું, યોનો ફાસ્ટ ફૂડ પ્રા. લિ., ગુજ્જુ ગ્રીલ પોઇન્ટ, કૃષ્ણનિધિ સેલ્સ, આસ્થા પ્રોવિઝન સ્ટોર, ગોકુલ સેલ્સ એજન્સી, જલારામ વેફર્સ, સર્વોત્તમ લાઇમ બેકરી, પૂજા પાણીપુરી અને જલારામ પ્રોવિઝન સ્ટોર સહિતની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.
તેવી જ રીતે સોડા કાફે, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, સાયોના પ્રોવિઝન સ્ટોર, લક્ષ્મી નાસ્તા સેન્ટર, ક્રિષ્ના પાન કોલ્ડ્રિન્ક્સ, જલારામ જાંબુ, શ્રી લક્ષ્મી પાંવભાજી, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, વિનોદ મેડિકલ, ખોડિયાર કોલ્ડ્રિન્ક્સ લચ્છી, મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રિન્ક્સ, જય જલારામ જનરલ સ્ટોર, ગોકુલ પાન એન્ડ કોલ્ડ્રિન્ક્સ, પંચનાથ ફરસાણ, શ્રી હરિ દાળ-પકવાન, શિવ સુપર માર્કેટ, વ્રજ કોલ્ડ્રિન્ક્સ, વ્રજ સેલ્સ એજન્સી, બાપા સીતારામ દાળ-પકવાન, માં મોગલ કૃપા સ્ટોર અને બાપા સીતારામ પાન કોલ્ડ્રિન્ક્સમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું.
દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણની માંગ વધતી હોવાથી ફૂડ વિભાગ દ્વારા આવી તપાસ ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ ખાદ્યપદાર્થોની ખરીદી વખતે ઉત્પાદન તારીખ, એક્સપાયરી તારીખ, પેકિંગ અને સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે.










