267 વેપારીઓ સાથે રૂ.250 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પતિ-પત્ની વિદેશમાં હોવાની અને NCLTમાં રૂ.634 કરોડના દાવા હોવાની કોર્ટમાં રજૂઆત; CID ક્રાઈમની તપાસમાં અનેક ખુલાસા

અમદાવાદ: ઓસિયા હાયપર રિટેલ લિમિટેડના ડિરેક્ટર ધીરેન્દ્ર ગૌતમ ચોપરાને કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન આપવાનો સેશન્સ કોર્ટે ઇનકાર કર્યો છે. વેપારીઓ પાસેથી માલ મંગાવ્યા બાદ તેની ચુકવણી ન કરવાના આક્ષેપો સાથે નોંધાયેલા કેસમાં સરકારપક્ષે રજૂઆત કરી હતી કે આરોપીઓએ 267 વેપારીઓ પાસેથી રૂ.250 કરોડથી વધુનો માલ મેળવ્યો હતો, પરંતુ તેની રકમ ચૂકવી નથી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં પણ આરોપીઓ સામે રૂ.634 કરોડના દાવા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

પતિ-પત્ની વિદેશમાં હોવાની કોર્ટમાં રજૂઆત

સરકારપક્ષે કોર્ટને જણાવ્યું હતું કે ધીરેન્દ્ર ચોપરા અને તેમની પત્ની કવિતા ચોપરા વિદેશમાં છે અને તપાસમાં સહકાર આપી રહ્યાં નથી. NCLT સમક્ષ પણ તેઓ હાજર થતા ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ તેમની સામે છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું.

કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ જજ જે.આઈ. પટેલે ધીરેન્દ્ર ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

શરૂઆતમાં સમયસર ચુકવણી કરી વિશ્વાસ કેળવ્યાનો આક્ષેપ

ઓસિયા હાયપર રિટેલ લિમિટેડના કથિત કૌભાંડ મામલે CID ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન મૂળ ફરિયાદમાં દર્શાવાયેલી રૂ.4.43 કરોડની છેતરપિંડી ઉપરાંત અન્ય વેપારીઓ સાથે થયેલી મોટા પાયાની નાણાકીય ગેરરીતિઓ સામે આવી હોવાનું જણાવાયું છે.

સરકારપક્ષની રજૂઆત મુજબ, ધીરેન્દ્ર ચોપરા, તેમની પત્ની કવિતા ચોપરા અને અન્ય આરોપીઓએ ઓસિયા મોલના સ્ટાફ મારફતે નાના-મોટા વેપારીઓ પાસેથી માલ મંગાવ્યો હતો. શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ ચુકવણી અટકાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે.

ચેક રિટર્ન થયા, મિલકતો ખરીદવા નાણાં વાપર્યાનો આરોપ

સરકારપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાની જાણ હોવા છતાં પંજાબ નેશનલ બેંકના ચેક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ચેક રિટર્ન થયા હતા. મોલમાં માલ વેચીને મળેલી રકમ પોતાના તથા પરિવારના નામે મિલકતો ખરીદવામાં વાપરવામાં આવી હોવાનો પણ આરોપ મૂકાયો હતો.

કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાની દલીલ

સરકારપક્ષે દલીલ કરી હતી કે કૌભાંડની વ્યાપકતા જોતાં આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. આગોતરા જામીન આપવામાં આવે તો સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થવાની તથા તપાસને અસર થવાની શક્યતા છે. આ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે ધીરેન્દ્ર ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai