508 કિમીના હાઇસ્પીડ કોરિડોર પર કુલ 14 સબસ્ટેશનથી મળશે વીજ પુરવઠો; બિલીમોરાનું પ્રથમ સબસ્ટેશન નિર્માણના અંતિમ તબક્કામાં
અમદાવાદ: દેશના પ્રથમ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હાઇસ્પીડ ટ્રેનોના સંચાલન માટે વીજ પુરવઠાનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. 508 કિલોમીટર લાંબા કોરિડોર પર સતત વીજળી મળી રહે તે માટે કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન (TSS) સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. આ સબસ્ટેશનો ગ્રીડમાંથી વીજળી મેળવી તેને ટ્રેનના સંચાલન માટે જરૂરી વોલ્ટેજમાં રૂપાંતરિત કરશે.
ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સબસ્ટેશન
બુલેટ ટ્રેન કોરિડોર માટે નિર્ધારિત 14 ટ્રેક્શન સબસ્ટેશનમાંથી ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ, અમદાવાદ અને સાબરમતી ડેપો ખાતે સબસ્ટેશન સ્થાપિત થશે.
જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપો ખાતે વીજ પુરવઠાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
બિલીમોરામાં પ્રથમ સબસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં
નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આશરે 18,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થઈ રહેલું પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન નિર્માણના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. અહીં કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વિચ, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર સહિતનાં જરૂરી ઉપકરણોનું ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત ગેન્ટ્રી ટાવર્સ અને બીમ લગાવવાની કામગીરી પણ પૂરી થઈ છે. હાલમાં સાધનોનું પરીક્ષણ અને કમિશનિંગ કરવામાં આવી રહ્યું છે.
GETCOના અંબેથા ગ્રીડમાંથી મળશે વીજળી
ગુજરાતમાં આવેલા ટ્રેક્શન સબસ્ટેશનોને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ના 220 kV અંબેથા ગ્રીડ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો મળશે. ત્યારબાદ આધુનિક 2×25 kV ટ્રેક્શન પાવર સપ્લાય સિસ્ટમ મારફતે વાયડક્ટ પર સ્થાપિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ને વીજળી પહોંચાડવામાં આવશે.
કંટ્રોલ સેન્ટરથી સતત મોનિટરિંગ
વીજ પુરવઠાની વ્યવસ્થા સુરક્ષિત અને સુચારુ રીતે કાર્યરત રહે તે માટે સમગ્ર નેટવર્કનું સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી વીજ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખી શકાશે અને બુલેટ ટ્રેનના સંચાલન માટે જરૂરી વીજળી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.










