રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબરે PM મોદી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે; પાંચ થીમેટિક ઝોનમાં ભારતની પ્રકૃતિ, સંસ્કૃતિ અને વારસાની ઝલક
એકતાનગર: સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે એકતાનગરમાં વધુ એક પ્રવાસન આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. લીમડી ગામમાં 2.62 કિલોમીટર લાંબી ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ નામની ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેઇલ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના ઉદ્ઘાટન બાદ અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટી દ્વારા એકતાનગરમાં નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવી રહ્યાં છે. આ જ પ્રયાસના ભાગરૂપે તૈયાર કરાયેલી આ ઇકો-ટ્રેઇલ પ્રકૃતિના સાનિધ્યમાં ભારતની ‘વિવિધતામાં એકતા’નો સંદેશ આપશે.
પાંચ થીમેટિક ઝોન બનશે મુખ્ય આકર્ષણ
‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં વન્યજીવન અને પ્રકૃતિ, યુવા, મહિલા સશક્તિકરણ, ભારતીય વારસો તથા આધ્યાત્મિકતા એમ પાંચ થીમેટિક ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ઝોનમાં સંબંધિત વિષયને અનુરૂપ પ્રદર્શનો અને કલાત્મક શિલ્પો સ્થાપિત કરાયાં છે.
પ્રવાસીઓ લીલાછમ વનવિસ્તારમાં પગપાળા ભ્રમણ કરીને ભારતની પ્રાકૃતિક સમૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓની ઝલક નિહાળી શકશે.
પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ
ટ્રેઇલમાં પ્રવાસીઓની સુવિધા માટે પ્રવેશદ્વાર, પાર્કિંગ, ટિકિટ બૂથ, માહિતી કેન્દ્ર, મલ્ટીપર્પઝ ગઝેબો, બાયો-ટોઇલેટ્સ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાંસનો વોચ ટાવર, દિશાસૂચક અને માહિતીદર્શક સાઇનબોર્ડ, પથ્થરનાં બેઠક સ્થળો તથા ટ્રેઇલનો નકશો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઇકો-ટુરિઝમ અને સ્થાનિક રોજગારીને મળશે વેગ
આ ઇકો-ટ્રેઇલથી એકતાનગરમાં પ્રકૃતિ આધારિત પ્રવાસનને પ્રોત્સાહન મળશે. પ્રવાસીઓને વન્યજીવનનું નિરીક્ષણ, પ્રકૃતિ વચ્ચે ભ્રમણ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ મળશે. સાથે જ પર્યાવરણ અને જૈવવિવિધતા અંગે જાગૃતિ ફેલાવવામાં પણ મદદ મળશે.
નવા પ્રવાસન આકર્ષણના ઉમેરાથી એકતાનગરમાં પ્રવાસીઓના રોકાણના સમયમાં વધારો થવાની સાથે સ્થાનિક લોકો માટે રોજગારી અને આજીવિકાની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.










