‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર 15 દિવસીય મહોત્સવ; 5,000 કલાકારો દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરશે
એકતાનગર: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘ભારત પર્વ-2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર યોજાયેલા આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક વિરાસત, પરંપરા અને વિવિધતાની ભવ્ય ઝાંખી રજૂ કરવામાં આવી છે.
વિવિધ રાજ્યોના પેવેલિયનની વડાપ્રધાને મુલાકાત લીધી
મહોત્સવના પ્રારંભ બાદ વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત લઈને ત્યાં પ્રદર્શિત કરવામાં આવેલી હસ્તકલા, પરંપરાગત ઉત્પાદનો અને સાંસ્કૃતિક વારસાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ફૂલોથી તૈયાર કરવામાં આવેલી ‘BHARAT PARV 2026’ની રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વડાપ્રધાને પરંપરાગત હસ્તકલા અને હાથશાળ સાથે જોડાયેલા કારીગરો તથા કલાકારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કારીગરો પાસેથી તેમની કળા, કૌશલ્ય અને ઉત્પાદનો અંગે માહિતી મેળવી હતી. વિવિધ રાજ્યોની પરંપરાગત કળા અને સ્થાનિક ઉત્પાદનોને એક જ સ્થળે રજૂ કરવાના આ પ્રયાસથી દેશની સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન મળશે.
5,000 કલાકારો આપશે સાંસ્કૃતિક પ્રસ્તુતિ
1થી 15 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં દેશનાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખ એક જ મંચ પર જોવા મળશે. સમગ્ર આયોજન દરમિયાન અંદાજે 5,000 કલાકારો લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત કલાઓની પ્રસ્તુતિ કરશે.
ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મેઘાલય સહિતનાં રાજ્યોની હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓનાં પ્રદર્શન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણરૂપ બનશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રો અને સ્થાનિક ઉત્પાદનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
‘કલ્ચર ટુ કોમર્સ’ના અભિગમને પ્રોત્સાહન
‘કલ્ચર ટુ કોમર્સ’ના અભિગમ સાથે યોજાયેલા આ પર્વનો મુખ્ય હેતુ દેશના કારીગરો, કલાકારો અને તેમની પરંપરાગત કળાને પ્રોત્સાહન આપવાનો છે. સ્વદેશી ઉત્પાદનો અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને વેગ આપવાની સાથે સ્થાનિક કારીગરોને તેમના ઉત્પાદનો માટે વ્યાપક બજાર પૂરું પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને ઉજાગર કરતો આ મહોત્સવ દેશના અલગ-અલગ પ્રદેશોની પરંપરાઓને એક મંચ પર લાવશે. તેના માધ્યમથી પ્રવાસીઓને ભારતની લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાઓને નજીકથી જાણવાની તક મળશે.
દિલ્હીના ભારત પર્વથી અલગ આયોજન
નોંધનીય છે કે એકતાનગર ખાતે યોજાતો ‘ભારત પર્વ’ દિલ્હીના લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા ભારત પર્વથી અલગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડની તર્જ પર વાર્ષિક ભારત પર્વ યોજવાની જાહેરાત કરી હતી.
આ આયોજન દ્વારા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને આગળ વધારવાની સાથે દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સ્વદેશી કળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.










