સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી; દારૂ સહિત કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹35.49 લાખનો જથ્થો કબજે, વધુ ચાર આરોપીઓની શોધખોળ
મોરબી જિલ્લાના વાંકાનેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરીને ફોર્ચ્યુનર કારમાંથી દારૂ અને બિયરની 55 પેટી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને પકડી લીધા હતા, જ્યારે કારના માલિક સહિત અન્ય ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં દારૂ-બિયરના જથ્થા સહિત કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹35,49,074નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જકાતનાકા પાસે કાર રોકીને તપાસ
મળતી માહિતી મુજબ, વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે જડેશ્વર મોબાઇલ અને ઇલેક્ટ્રિક નામની દુકાન પાસેથી પસાર થતી રાજસ્થાન પાસિંગની ફોર્ચ્યુનર કાર નંબર RJ-14-UK-2540ને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોકી હતી. કારની તપાસ દરમિયાન તેમાંથી દારૂ અને બિયરની કુલ 55 પેટી મળી આવી હતી. તેમાં કુલ 658 બોટલ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે દારૂ-બિયરના જથ્થાની કિંમત ₹10,41,674 આંકી હતી. કાર સહિત કુલ ₹35,49,074નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજસ્થાનના જાલોરના ચાર શખ્સો ઝડપાયા
પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની ઓળખ શ્રવણકુમાર બુદ્ધારામ બિશ્નોઈ, વિકાસકુમાર સહિરામ બિશ્નોઈ, અશોકકુમાર લધુરામજી બિશ્નોઈ અને રાહુલકુમાર રઘુનાથરામ બિશ્નોઈ તરીકે થઈ છે. ચારેય આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના અલગ-અલગ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ ચાર આરોપીઓ વોન્ટેડ
આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કૈલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (રાણીવાડા, રાજસ્થાન), સંજીવ (ગુડગાંવ, હરિયાણા), વિપુલ (મોરબી) અને ફોર્ચ્યુનર કારના માલિક સહિત ચાર શખ્સોનાં નામ સામે આવ્યાં છે. આ ચારેયને પકડવાના બાકી હોવાથી પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા ચાર આરોપીઓ સામેની કાયદેસરની કાર્યવાહી સાથે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.










