સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ વરસાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ અને રાજકોટ શહેરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં માત્ર બે કલાકમાં 6 ઇંચ અને ત્યારબાદ વધુ 1 ઇંચ વરસાદ વરસતાં સુરવો નદીમાં નવા નીર આવ્યા હતા. અનેક ચેકડેમો ઓવરફ્લો થયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.

ગોંડલમાં મધરાતથી ધોધમાર વરસાદ વરસતાં શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જામનગર જિલ્લામાં કાલાવડમાં પોણા ચાર ઇંચ, ધ્રોલમાં ત્રણ ઇંચ તથા જામનગર શહેર અને જોડિયામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક વધી છે.

જૂનાગઢ, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment

और पढ़ें

Buzz4 Ai