સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટનને મળશે નવી ગતિ: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ લોન્ચ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આધુનિક સુવિધાઓથી સજ્જ ક્રૂઝમાં કોર્પોરેટ ઇવેન્ટ્સ, પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન શક્ય

એકતા નગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય અને અત્યાધુનિક ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી મળ્યા બાદ આ સેવા ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે. પ્રવાસીઓ તરફથી મળેલા સારા પ્રતિસાદ અને વધતી માંગને ધ્યાનમાં રાખીને વધુ વિશાળ અને આધુનિક ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે.

નર્મદા નદીમાં સફર દરમિયાન પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ મેળવી શકશે. નવી ક્રૂઝને માત્ર પ્રવાસન પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી, પરંતુ તેમાં કોર્પોરેટ ઇવેન્ટ્સ, જન્મદિવસની ઉજવણી, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રોડક્ટ લોન્ચ અને ખાનગી સમારંભો યોજી શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ સુવિધા, 30 મીટર લંબાઈ, 12 મીટર પહોળાઈ, 5×4 મીટરનો વિશાળ સ્ટેજ અને આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જે ખાસ કરીને સાંજના સમયે પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUDTGA) દ્વારા વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓ વિકસાવવાના પ્રયાસોના ભાગરૂપે આ નવી પહેલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી પર્યટન ક્ષેત્રને નવી ગતિ મળશે તેમજ સ્થાનિક રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai