કેમિકલ ફિલિંગ બાદ પણ તળમાંથી પાણીનો પ્રવાહ યથાવત; વાહનચાલકો માટે અકસ્માતનો ખતરો વધ્યો
રાજકોટ: શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં રેલનગર અંડરબ્રિજ ફરી પાણીથી છલકાઈ ગયો છે. સામાન્ય વરસાદ બાદ પણ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં મહાપાલિકાની કામગીરી સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિકો મુજબ આસપાસના ખેતરાઉ વિસ્તારના કારણે અંડરબ્રિજના તળમાંથી સતત પાણી બહાર આવી રહ્યું છે. પરિણામે બ્રિજનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
ગત વર્ષે મહાપાલિકાએ આ સમસ્યાના ઉકેલ માટે આશરે રૂ. 60 લાખના ખર્ચે કેમિકલ ફિલિંગનું કામ કરાવ્યું હતું. છતાં વરસાદ બાદ ફરી પાણી ભરાવા લાગતાં ખર્ચાયેલી રકમ અને કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
જામનગર રોડ પર નવા બ્રિજના પ્રારંભથી ટ્રાફિકને રાહત મળી છે, પરંતુ નજીક આવેલો રેલનગર અંડરબ્રિજ ફરી પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ સમસ્યાને લઈને અગાઉ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ આંદોલન કર્યું હતું. હવે ફરી એકવાર અંડરબ્રિજમાં પાણી ભરાતા કાયમી ઉકેલની માંગ જોર પકડી રહી છે.










