રાજકોટ: પામ સિટીમાં રહેતા વેપારી સાથે રૂ.45 લાખની છેતરપિંડી કરીને અઢી વર્ષથી ફરાર રહેલો આરોપી અમિત ઉર્ફે લાલો હેમંતસિંહ ડાભીને શહેર પોલીસની PCB ટીમે ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, વેપારીએ બેંકમાંથી રોકડ ઉપાડવા માટે કર્મચારી અમિતને ચેક આપ્યો હતો. આરોપીએ રૂ.45 લાખ ઉપાડી મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી છેલ્લા અઢી વર્ષથી ગુજરાતના વિવિધ શહેરોમાં છુપાઈને રહેતો હતો. પિતાની તબિયત ખરાબ હોવાથી રાજકોટ આવતા જ PCB ટીમે બાતમીના આધારે તેને દબોચી લીધો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ રૂ.45 લાખની રકમ મોજશોખ અને વ્યક્તિગત ખર્ચમાં વાપરી નાખ્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ આરોપીને વધુ પૂછપરછ અને કાનૂની કાર્યવાહી માટે યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યો છે.










