વધતી પાણીની માંગ અને ઘટતા જળસ્તરને ધ્યાનમાં રાખી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ગેરકાયદે ભૂગર્ભ જળ ઉપયોગ અને પ્રદૂષણ સામે કડક કાર્યવાહી થશે
અમદાવાદ: રાજ્યમાં વધતી પાણીની માંગ, અનિયમિત ચોમાસું અને સતત ઘટતા ભુગર્ભ જળસ્તરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ‘ગુજરાત ભુગર્ભ જળ નિયમન કાયદો-2026’ લાવવાની તૈયારીમાં છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનો ખરડો રજૂ થવાની શક્યતા છે.
પ્રસ્તાવિત કાયદા મુજબ ભુગર્ભ જળને જાહેર સંપત્તિ ગણવામાં આવશે. એટલે કે કોઈપણ વ્યક્તિની માલિકીની જમીનમાં રહેલું ભૂગર્ભ જળ વ્યક્તિગત માલિકી નહીં પરંતુ જાહેર સંપત્તિ માનવામાં આવશે. તેના ઉપયોગ, જથ્થા અને હેતુ અંગે સરકાર દ્વારા નિયમો નક્કી કરવામાં આવશે.
કાયદાના અમલ માટે ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે. આ ઓથોરિટી ભુગર્ભ જળના સંરક્ષણ, ઉપયોગ અને નિયંત્રણ માટેની નીતિઓ અમલમાં મૂકશે તેમજ જરૂરી વિસ્તારોને ગ્રાઉન્ડ વોટર પ્રોટેક્શન ઝોન તરીકે જાહેર કરી શકશે.
નવી જોગવાઈ મુજબ ઉદ્યોગો અને ફેક્ટરીઓને પોતાની જમીનમાંથી પણ ભૂગર્ભ જળ ઉપાડવા માટે મંજૂરી લેવી પડશે અને નિર્ધારિત વોટર ચાર્જ ચૂકવવો પડશે. ગેરકાયદે ભૂગર્ભ જળનો ઉપયોગ અથવા પાણી પ્રદૂષિત કરનાર સામે રૂ.10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવશે.
સરકાર નવા બાંધકામોમાં વરસાદી પાણીના સંચય (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) અને ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરજિયાત બનાવવાની તૈયારીમાં છે. જોકે, પ્રસ્તાવિત કાયદાની દંડાત્મક જોગવાઈમાંથી ખેતીના ઉપયોગને મુક્તિ આપવામાં આવશે.
ભુગર્ભ જળના સંરક્ષણ અને અસરકારક આયોજન માટે ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા અને રાજ્ય સ્તર સુધી વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવશે.










