કેદારનાથ હાઇવે બંધ, અનેક માર્ગો ઠપ્પ; 14 જિલ્લાઓમાં 1.60 લાખ લોકો પૂરથી પ્રભાવિત
નવી દિલ્હી: ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં દેશના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં મેઘતાંડવ યથાવત છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને આસામમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન થતાં માર્ગ બંધ થઈ ગયો છે. સોનપ્રયાગ સહિતના વિસ્તારોમાં યાત્રાળુઓ અટવાઈ ગયા છે અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. હિમાચલ પ્રદેશમાં પણ અનેક માર્ગો હજુ બંધ હોવાથી સામાન્ય જનજીવન ખોરવાયું છે.
આસામમાં પૂરની સ્થિતિ હજુ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં વધુ છ લોકોના મોત થતાં વરસાદ અને પૂર સંબંધિત મૃત્યુઆંક વધીને 95 પર પહોંચી ગયો છે. હાલમાં 14 જિલ્લાઓમાં આશરે 1.60 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે અને અનેક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે, પરંતુ સતત વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે પરિસ્થિતિમાં હજુ સુધારો જોવા મળ્યો નથી.
જુલાઈ બાદ પણ દેશમાં 11.8 ટકા વરસાદની ખાધ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈમાં સારો વરસાદ નોંધાયો હોવા છતાં દેશમાં હજુ 11.8 ટકા વરસાદની ખાધ છે. અત્યાર સુધી દેશમાં સરેરાશ 424.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય સરેરાશ 481.9 મિમી હોવી જોઈએ.
હવામાન નિષ્ણાતોના મતે, વૈશ્વિક અલ-નીનો જેવી પરિસ્થિતિઓ હોવા છતાં સ્થાનિક હવામાન પ્રણાલીઓના કારણે ભારતમાં ચોમાસું સક્રિય રહ્યું છે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે.










