મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો નિર્ણય; કૃત્રિમ અને ધોરણવિહોણા ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન-વેચાણ હવે ગુનો ગણાશે
ગાંધીનગર: રાજ્યમાં ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનો સામે કડક વલણ અપનાવતા ગુજરાત સરકારે એનાલોગ (કૃત્રિમ) પનીર અને ચીઝના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતે પણ આ મહત્વપૂર્ણ પગલું ભરતાં ફૂડ સેફ્ટી અમલમાં વધુ કડકાઈ લાવવાનો સંદેશ આપ્યો છે.
તાજેતરના સમયમાં બજારમાં એનાલોગ પનીર, કૃત્રિમ ચીઝ અને ધોરણો વિના તૈયાર થતા ડેરી ઉત્પાદનોના વેચાણ અંગે વધતી ફરિયાદો અને આરોગ્ય સંબંધિત ચિંતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
નવી જોગવાઈ મુજબ ફૂડ સેફ્ટીના નિર્ધારિત ધોરણોનું પાલન કર્યા વિના તૈયાર થતા પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન કે વેચાણ પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો ચેડો સહન નહીં કરવામાં આવે તેવી સરકારની સ્પષ્ટ ભૂમિકા છે.
રાજ્યભરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશેષ તપાસ અભિયાન અને દરોડા હાથ ધરવામાં આવશે. પ્રતિબંધિત અથવા ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ કરતા ઉત્પાદકો અને વેપારીઓ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારનું માનવું છે કે આ નિર્ણયથી બજારમાં ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે, ભેળસેળના કાળા કારોબાર પર અંકુશ આવશે અને ગ્રાહકોને વધુ સુરક્ષિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થશે.










