43 માજી સૈનિકો-વીરનારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું; 9 વર્ષથી ન્યાયની રાહ
સંજેલી: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માજી સૈનિકો અને વીરનારીઓની જમીન ફાળવણીનો મુદ્દો ફરી ઉગ્ર બન્યો છે. આશરે 43 માજી સૈનિકો અને વીરનારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જમીન ફાળવણી અંગે તાત્કાલિક નિર્ણયની માંગ કરી છે.
માજી સૈનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 9 વર્ષથી તેઓ આ મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરી રહ્યા છે. મામલતદારથી લઈને પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગ સુધી જરૂરી દસ્તાવેજો અને જમીન સંબંધિત પુરાવા રજૂ કરાયા હોવા છતાં હજુ સુધી અંતિમ નિર્ણય આવ્યો નથી.
માજી સૈનિકોએ જણાવ્યું કે સરકારની નીતિઓમાં પાત્ર માજી સૈનિકો અને વીરનારીઓને જમીન ફાળવણીની જોગવાઈ હોવા છતાં તેનો અસરકારક અમલ થતો નથી. દેશની સુરક્ષા માટે સેવા આપનાર સૈનિકો અને તેમના પરિવારોને તેમના હક્કનો લાભ સમયસર મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રની નકલો SDM, જિલ્લા કલેક્ટર, મહેસૂલ સચિવ, મુખ્યમંત્રી, ધારાસભ્ય અને સાંસદને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર માજી સૈનિકો અને વીરનારીઓની નજર છે.
રિપોર્ટર: મહેન્દ્ર ચારેલ, સંજેલી (દાહોદ)










