નવરાત્રિ દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓની સુરક્ષા જાળવવા અને છેડતીના બનાવો અટકાવવા પોલીસ દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓની મંજૂરી વગર છૂપી રીતે ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરનારા તેમજ છેડતી, પીછો કરવા અને અયોગ્ય ટિપ્પણી કરવા જેવા કૃત્યોમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ગરબા સ્થળોની સાથે એન્ટ્રી-એક્ઝિટ ગેટ, પાર્કિંગ વિસ્તાર અને અંધારાવાળા રસ્તાઓ પર પણ ખાસ નજર રાખવામાં આવશે. આ માટે એન્ટિ-રોમિયો ડ્રાઇવ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
પોલીસે મહિલાઓ અને યુવતીઓને પણ સાવચેત રહેવાની અપીલ કરી છે. નવરાત્રિ દરમિયાન માત્ર સાથે ફરવા કે ગરબા રમવાના બહાને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં અને નવી ઓળખાણ પર તરત વિશ્વાસ કરવો નહીં. અજાણી વ્યક્તિ સાથે અવાવરુ સ્થળે જવાનું ટાળવા તેમજ પરિવારના સભ્યો સાથે લાઇવ લોકેશન શેર કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
સાદા પોશાકમાં શી ટીમો તૈનાત, સરપ્રાઇઝ પેટ્રોલિંગ
મહિલાઓની છેડતી કરનારા અને ગરબા સ્થળોએ અશોભનીય વર્તન કરનારા તત્વો પર નજર રાખવા શી ટીમો સાદા પોશાકમાં તૈનાત રહેશે. પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ માત્ર મોટા પાર્ટી પ્લોટ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ શેરી ગરબા, મોહલ્લા, સોસાયટીઓ અને ખાણી-પીણીની ગલીઓમાં પણ કરવામાં આવશે.
નવરાત્રિ પહેલાં અને તહેવાર દરમિયાન શી ટીમો ગરબા ક્લાસીસ તથા ગરબાનાં સ્થળોની મુલાકાત લઈને યુવતીઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત મહિલાઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સ્વરક્ષણ તથા મહિલા જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે.
મુશ્કેલીમાં હો તો 112 પર ફોન કરો
નવરાત્રિ દરમિયાન મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં મુકાય અથવા ઘરે જવા માટે વાહન વ્યવસ્થા ન મળે તો 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે. ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને શી ટીમો દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
ગરબા સ્થળોએ 112 અને 181 જેવી મહિલા સુરક્ષા હેલ્પલાઇનોની માહિતી આપતાં પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવશે. પોલીસ દ્વારા તૈનાત ટીમો, પકડાયેલા શખસો અને કરવામાં આવેલી કાર્યવાહીની દૈનિક નોંધ રાખવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા પર નજર રાખી શકાય.
અમદાવાદ ગ્રામ્યમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક
અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે. બોપલ, શીલજ, હાથીજણ અને સાણંદ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ અને ક્લબમાં સુરક્ષાને લઈને ખાસ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આયોજકો સાથે યોજાયેલી બેઠકમાં ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરી હતી.
દરેક ગરબા સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા દરરોજ 24 મુદ્દાઓને આવરી લેતું સુરક્ષા ઓડિટ કરવામાં આવશે. આયોજકોએ ફાયર સેફ્ટી, ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સંબંધિત પ્રમાણપત્રો રજૂ કરવાનાં રહેશે. મુખ્ય ગરબા સ્થળોએ મહિલા અને બાળકો માટે હેલ્પ ડેસ્ક, સીસીટીવી કંટ્રોલ રૂમ અને મેડિકલ ટીમની વ્યવસ્થા પણ ફરજિયાત બનાવવામાં આવી છે.
મહિલાઓની સુવિધા અને સુરક્ષા માટે અલગ એન્ટ્રી લાઇન, મહિલા બાઉન્સર તથા મહિલા સુરક્ષા ગાર્ડ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરંપરાગત અને ખાખી પોશાકમાં સજ્જ છ પોલીસ ટીમો ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ વિસ્તાર અને અંધારાવાળા સ્થળો પર નજર રાખશે.
ડ્રોન અને AIથી ભીડ પર નજર, ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી
પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. રસ્તાઓ પર મોડી રાત્રે 1 વાગ્યા સુધી અને પેટ્રોલિંગની કામગીરી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા સ્થળોએ ભીડનું નિરીક્ષણ કરવા ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ અને પરવાનગી વગર ગરબાના પાસ વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, અગ્નિસુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપીને પોલીસ દ્વારા વિવિધ સ્તરે દેખરેખ રાખવામાં આવશે.
એકંદરે, નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવતા લોકો સુરક્ષિત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ, સીસીટીવી, શી ટીમો અને સુરક્ષા ઓડિટ સહિતનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. મહિલાઓ અને યુવતીઓને પણ કોઈ અયોગ્ય વર્તન કે મુશ્કેલીનો સામનો કરવો પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.










