સરકાર સાથેની બેઠકમાં સત્તા જ્યુડિશિયરી પાસે જ રાખવાની ખાતરી મળતાં નિર્ણય : ત્રુટિઓ અને વાંધાજનક જોગવાઈઓ અંગે સંયુક્ત કમિટી સરકાર સમક્ષ રજૂઆત કરશે
ગુજરાત ભાડા વિધેયક, 2026ના મુદ્દે રાજ્યભરના ધારાશાસ્ત્રીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સાથે થયેલી સૌહાર્દપૂર્ણ ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને ભાડા સંબંધિત વિવાદોના નિર્ણયની સત્તા જ્યુડિશિયરી પાસેથી લઈને એક્ઝિક્યુટિવને સોંપવાના સૂચિત સુધારા અંગે વકીલો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા પર સરકાર તરફથી મહત્વનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
સરકારે ખાતરી આપી છે કે, ભાડા વિવાદોના નિર્ણયની સત્તા કોર્ટ તથા જ્યુડિશિયરી પાસે જળવાઈ રહેશે. આ ખાતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હડતાલ હાલ પૂરતી સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના પ્રતિનિધિઓ સાથે એક કલાકથી વધુ ચર્ચા
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પ્રવિણ ડી. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, તા. 6 ઓક્ટોબર, મંગળવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યો તેમજ અમદાવાદ બાર એસોસિએશન અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખો તથા હોદ્દેદારોની સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, મુખ્ય સરકારી વકીલ ગુરુચરણ શિર્ક, કાયદા વિભાગના સચિવ યુ.એમ. ભટ્ટ ઉપરાંત મહેસૂલ સચિવ અને ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા હતા.
એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને ધારાશાસ્ત્રીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જ્યુડિશિયરીની સત્તા અંગે મુખ્ય વાંધો
વકીલોનો મુખ્ય વિરોધ ભાડા સંબંધિત વિવાદોના નિર્ણયની સત્તા જ્યુડિશિયરી પાસેથી લઈને એક્ઝિક્યુટિવને આપવાના સૂચિત સુધારા સામે હતો. ધારાશાસ્ત્રીઓએ આ જોગવાઈ અંગે ગંભીર વાંધો વ્યક્ત કરીને સત્તા કોર્ટ તથા જ્યુડિશિયરી પાસે જ રહેવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.
સરકાર તરફથી આ સત્તા કોર્ટ તથા જ્યુડિશિયરી પાસે જ જળવાઈ રહેશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, નોટરીઓને ટિકિટ આપવા સહિત ધારાશાસ્ત્રીઓ સાથે સંકળાયેલા અન્ય પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
સરકાર અને બાર કાઉન્સિલની સંયુક્ત કમિટી રચાશે
સરકાર દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, અમદાવાદ બાર એસોસિએશન અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી રચવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ કમિટીમાં બાર કાઉન્સિલના ચેરમેન તથા સભ્યો અને બંને બાર એસોસિએશનના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. કમિટી કાયદા વિભાગના સચિવ સાથે જરૂરી વિચારવિમર્શ કરીને ગુજરાત ભાડા વિધેયક, 2026માં રહેલી ત્રુટીઓ તથા વાંધાજનક જોગવાઈઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરશે.
વાંધાજનક જોગવાઈઓ અંગે સરકાર કરશે નિરાકરણ
કમિટી દ્વારા કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને લઈને જરૂરી નિરાકરણ લાવવાની ખાતરી પણ સરકાર તરફથી આપવામાં આવી છે. સરકાર અને ધારાશાસ્ત્રીઓ વચ્ચે થયેલી ચર્ચા બાદ પ્રશ્નોના સુખદ ઉકેલની શક્યતા ઊભી થતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
હડતાલ મોકૂફ રાખવામાં આવતા હવે રાજ્યભરના ધારાશાસ્ત્રીઓ ફરીથી નિયમિત કોર્ટ કાર્યવાહીમાં જોડાશે.










