મેલું ઉપાડવાના નિવેદન પર શંકરસિંહ વાઘેલા અડગ : માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

‘મેં જે કહ્યું છે તે ડંકાની ચોટ પર કહ્યું છે, હું મારા નિવેદન પર કાયમ છું’ : ભાજપ સરકાર પર પણ કર્યા આકરા પ્રહાર

ગુજરાતના રાજકારણમાં પોતાના સ્પષ્ટ અને સીધા નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અને મેલું ઉપાડવા અંગે કરેલી ટિપ્પણીઓ બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે પોતાના નિવેદનથી પીછેહઠ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ કોઈ સમાજના વિરોધી નથી, પરંતુ પોતાના નિવેદન બદલ માફી માંગવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

‘સામાજિક ક્રાંતિ અભિયાન’ના એક કાર્યક્રમમાં ત્રણ સવર્ણ સમાજને લઈને કરવામાં આવેલા નિવેદન બાદ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “મેં જે કહ્યું છે તે ડંકાની ચોટ ઉપર કહ્યું છે અને હું તેના પર કાયમ છું.”

‘મારી વાતનું કારણ વગર બવંડર ઊભું કરવામાં આવ્યું’

શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદનનો બચાવ કરતાં ભાજપ સરકાર અને તેના નેતાઓ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તેમની અગાઉની વાતનું કારણ વગર મોટું બવંડર ઊભું કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓએ નિવેદનનો સાચો અર્થ સમજ્યા વગર જ તેમની પાછળ પડી ગયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

વાઘેલાએ સ્પષ્ટતા કરી કે, તેમનું નિવેદન અનામત અને અનામત વિરોધી માનસિકતાના સંદર્ભમાં હતું. તેમના મતે, વર્ષો પહેલાં જે સમાજના લોકોએ અત્યંત કપરું અને મુશ્કેલ કામ કર્યું છે, તેમને આજે મળતું અનામત તેમના પર થયેલા ઐતિહાસિક સામાજિક અન્યાયના સંદર્ભમાં વળતર સમાન છે.

દલિત અને આદિવાસી સમાજની સ્થિતિનો ઉલ્લેખ

પૂર્વ મુખ્યમંત્રીએ અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજ સાથે સદીઓથી થયેલા સામાજિક અન્યાયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સમાજના નબળા અને પછાત વર્ગોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘સામાજિક ક્રાંતિ અભિયાન’ના કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, “જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને રૂ.50 હજાર રોકડા આપીશ.”

આ નિવેદન બાદ સોશિયલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ટીકા શરૂ થઈ હતી. જોકે, વાઘેલાએ જણાવ્યું કે, તેમનો હેતુ કોઈ સમાજનું અપમાન કરવાનો નહોતો, પરંતુ સદીઓથી શોષિત વર્ગે કરેલા અતિ કપરા કામ તરફ ધ્યાન દોરવાનો હતો.

GPSC ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માંગને સમર્થન

દરમિયાન, ગાંધીનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની તથા સરકારી ભરતીમાં અનામતના નિયમોનો યોગ્ય અમલ કરવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનને પણ શંકરસિંહ વાઘેલાએ સમર્થન આપ્યું છે.

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 23 દિવસથી ‘સામાજિક ક્રાંતિ અભિયાન’ સંગઠન દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. આજે શંકરસિંહ વાઘેલા સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા અને આંદોલનકારીઓ સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી.

‘આક્ષેપોમાં તથ્ય હોય તો અધિકારીએ રાજીનામું આપવું જોઈએ’

આંદોલનકારીઓની રજૂઆતો સાંભળ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, જો હસમુખ પટેલ સામે કરવામાં આવી રહેલા આક્ષેપોમાં તથ્ય હોય તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ.

તેમણે જણાવ્યું કે, મહત્વના અને ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિની જવાબદારી તમામ લોકોને સમાન માન-સન્માન આપવાની હોય છે. ઉચ્ચ પદ પર રહ્યા બાદ કોમવાદને સ્થાન ન હોવું જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, “મારે તેમનો બહુ પરિચય નથી, પરંતુ જો પોતાના પર આક્ષેપો થઈ રહ્યા હોય તો પદ પર ન રહેવાની નૈતિકતા પણ હોવી જોઈએ.”

અનામતના યોગ્ય અમલની માંગ સાથે આંદોલન

સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠન દ્વારા GPSCના ચેરમેન હસમુખ પટેલને હટાવવા તેમજ સરકારી ભરતીમાં અનામતના નિયમોનો યોગ્ય અમલ કરવાની માંગ સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

આંદોલનકારીઓ દ્વારા GPSCની ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે યોગ્ય તપાસ કરી અનામતના નિયમો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai