દિલ્હી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને પણ નિશાન બનાવવાની ધમકી, ઈમેલ મળતાં પોલીસ તંત્ર દોડતું થયું
અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મામલો સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. શહેરની 10 જેટલી શાળાઓ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલા ઈમેલ મળ્યા હતા. આ ઉપરાંત દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાનારા ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
ધમકીભર્યા ઈમેલમાં ખાલિસ્તાની સમર્થનમાં લખાણ સાથે અમદાવાદની શાળાઓમાં ચોક્કસ સમયે બોમ્બ વિસ્ફોટ કરવાની તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ધડાકા કરવાની ધમકી આપવામાં આવી હતી.
શાળાઓમાં વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કઢાયા
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ અમદાવાદની વિવિધ શાળાઓમાં તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. ઝાયડસ સ્કૂલ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, એસજીવીપી સ્કૂલ છારોડી, સંતકબીર સ્કૂલ, એશિયા સ્કૂલ અને એચબીકે સ્કૂલ સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓને વર્ગખંડોમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
શાળા સંચાલકો દ્વારા વાલીઓને પણ જાણ કરવામાં આવી હતી અને બાળકોને ઘરે લઈ જવા માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદ પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નહીં
ધમકીભર્યા ઈમેલને પગલે પોલીસે શાળાઓ તેમજ સંબંધિત સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તેમ છતાં ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મોદી સ્ટેડિયમ અને દિલ્હી સ્ટેડિયમને નિશાન બનાવવાની ધમકી
ઈમેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 21 નવેમ્બરે તેમજ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 1 નવેમ્બરે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટના સંદર્ભમાં ધમકી આપવામાં આવી છે.
ઈમેલમાં ખાલિસ્તાની સંગઠનોના નામનો ઉલ્લેખ
ધમકીભર્યા ઈમેલમાં ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર અને વિવિધ સંગઠનો તથા વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈમેલમાં 1984ના શીખ વિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ કરીને બદલો લેવાની વાત કરવામાં આવી હતી.
ઈમેલમાં અમદાવાદની શાળાઓ, દિલ્હી સ્ટેડિયમ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને નિશાન બનાવવાની ધમકી સાથે દિલજીત દોસાંજના કાર્યક્રમોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
પોલીસ સમગ્ર મામલે ઈમેલની પ્રામાણિકતા, મોકલનારની ઓળખ અને ધમકી પાછળના હેતુ અંગે તપાસ કરી રહી છે. હાલની તપાસમાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી ન હોવાથી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે, જોકે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.










