કાર સહિત રૂ. 5.52 લાખનો મુદ્દામાલ કબજે; અન્ય બે દરોડામાં 124 બોટલ દારૂ ઝડપાયો, એક મહિલા સહિત બે સામે કાર્યવાહી
રાજકોટ: શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને હેરફેર સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૈયા રોડ પર ખોડિયાર હોટલ પાછળ આવેલી અલકાપુરી સોસાયટીના ખૂણે અંકલેશ્વર મહાદેવ મંદિરના ગેટ પાસેથી દારૂ ભરેલી બિનવારસી સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી. કારમાંથી રૂ. 2.52 લાખની કિંમતની દારૂની 1,036 બોટલ મળી આવી હતી. કાર સહિત કુલ રૂ. 5.52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાર મૂકીને નાસી ગયેલા બુટલેગરને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
ક્રાઇમ બ્રાન્ચના PSI ડી.પી. ઝાલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, કરણભાઈ કોઠીવાળ, અમિતભાઈ ટુંડિયા તથા કોન્સ્ટેબલ અરવિંદકુમાર ફતેપુરાને મળેલી બાતમીના આધારે પોલીસ રૈયા રોડ પર પહોંચી હતી.
અલકાપુરી શેરી નંબર 1/12ના ખૂણે બિનવારસી હાલતમાં પડેલી સ્વિફ્ટ કાર નંબર GJ-1-WD-8294ની તપાસ કરતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર કબજે કરી કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોપટપરામાં મકાનમાંથી 41 બોટલ દારૂ મળી
બીજા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના PSI વી.ડી. રાવલિયાની રાહબરી હેઠળ ASI સમીરભાઈ શેખ અને કોન્સ્ટેબલ તૌફિકભાઈ જુણાચ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોપટપરા મેઇન રોડ પર વેરહાઉસ સામે રહેતા મયુર ઉર્ફે ચિરાગ મગનભાઈ ઝીંઝુવાડિયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન મકાનમાંથી રૂ. 6,150ની કિંમતની દારૂની 41 બોટલ મળી આવી હતી. જોકે, દરોડા દરમિયાન મયુર હાજર મળી આવ્યો નહોતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ઘનશ્યામનગરમાં મહિલાના મકાનમાંથી 83 ચપલા કબજે
ત્રીજા બનાવમાં ભક્તિનગર પોલીસ મથકના PSI એસ.એચ. ગોહિલની રાહબરી હેઠળની ટીમે ઘનશ્યામનગર ઝૂંપડપટ્ટીના સિંદૂરિયા ખાણ વિસ્તારમાં રહેતી પૂનમ ઉર્ફે મુસ્કાન ગનીભાઈ મોદન (ઉંમર 36)ના મકાનમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનમાંથી રૂ. 24,900ની કિંમતના દારૂના 83 ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પૂનમ ઉર્ફે મુસ્કાન સામે ગુનો નોંધી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં થયેલી આ ત્રણ અલગ-અલગ કાર્યવાહીમાં દારૂની 1,160 બોટલ અને ચપલા સહિતનો જથ્થો ઝડપાયો છે. એક બિનવારસી કારમાંથી મોટો જથ્થો મળી આવતાં પોલીસ હવે તેની પાછળ સંડોવાયેલા બુટલેગરને શોધવા તપાસ કરી રહી છે.










