ટેક્સચોરીમાં કાનૂની કાર્યવાહી માટેની મર્યાદા રૂા.1 કરોડથી વધારી રૂા.5 કરોડ કરવાની દરખાસ્ત
GST કાઉન્સિલની બેઠકમાં GST વ્યવસ્થામાં અનેક મહત્વના ફેરફારો અંગે ચર્ચા થવાની છે. તેમાં રિટર્ન ફાઇલિંગ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની પ્રક્રિયા સરળ બનાવવાની સાથે ટેક્સચોરી રોકવા, GST સંબંધિત કેટલાક ગુનાઓને ક્રિમિનલ કાયદાની મર્યાદામાંથી બહાર રાખવા તેમજ GST અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા અંગે પણ ચર્ચા થશે.
બોગસ બિલિંગ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના મોટા કૌભાંડો સામે કાર્યવાહી માટે GST અધિકારીઓની સત્તામાં ઘટાડો કરવાના પ્રસ્તાવનો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ રાજ્યોનું માનવું છે કે મોટા નાણાકીય ગોટાળાને ગંભીર ગુના તરીકે ગણવાની જોગવાઈ યથાવત રહેવી જોઈએ.
GST લાગુ થયા બાદ પ્રથમ વખત આટલા મોટા પાયે માળખાકીય સુધારાઓ અંગે ચર્ચા થઈ રહી છે. છેલ્લા નવ મહિનાથી રાજ્યો વચ્ચે ચર્ચા અને વિવિધ વર્કિંગ ગ્રુપની બેઠકો બાદ આ દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. ટેક્સચોરી સંબંધિત ફોજદારી કાર્યવાહી માટેની નાણાકીય મર્યાદા રૂા.1 કરોડથી વધારીને રૂા.5 કરોડ કરવાની પણ દરખાસ્ત છે.
GST સંબંધિત વધતા લિટિગેશનને ધ્યાનમાં રાખીને સામાન્ય વેપારીઓ અને ઉદ્યોગોને એકસરખી કડક પ્રક્રિયામાં ન લાવવામાં આવે તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત ઇનપુટ ટેક્સ ક્રેડિટના અન્ય રાજ્યોમાં ઉપયોગ અને રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવી વેપારીઓની કાર્યકારી મૂડી વહેલી તકે મુક્ત થાય તે મુદ્દે પણ ચર્ચા થશે.
GST વ્યવસ્થાને વધુ ટેકનોલોજી આધારિત બનાવી માનવીય હસ્તક્ષેપ ઘટાડવા માટેના પગલાં અંગે પણ કાઉન્સિલમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.










