ડિલિવરી વર્કરની સતર્કતાથી 0.77 ગ્રામ મેફેડ્રોન ઝડપાયું; ડ્રગ્સ મોકલનાર અમિત સિંધી અને મંગાવનાર પ્રિયંક સંઘવીની ધરપકડ
અમદાવાદમાં પાર્સલ ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી પોર્ટર એપ્લિકેશન મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ હોવાની આશંકા જતાં ડિલિવરી વર્કરે તપાસ કરી પોલીસને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. નરોડા પોલીસે આ કેસમાં સરદારનગરના અમિત સિંધી અને સાબરમતીના વેપારી પ્રિયંક સંઘવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્સલ ખોલતાં શંકાસ્પદ પડીકી મળી
નરોડા પોલીસને સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી નાના ચિલોડા સર્કલ પાસે ડ્રગ્સ સાથે એક શખ્સ પકડાયો હોવાનો મેસેજ મળ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચાંદખેડાના જનતાનગરમાં રહેતા વસંતભાઈ માધુભાઈ સોલંકી પોર્ટર એપ્લિકેશન મારફતે પાર્સલ પહોંચાડવાનું કામ કરે છે.
એપ્લિકેશન પર મળેલા ઓર્ડર મુજબ, તેમને ઇન્દિરા બ્રિજ સર્કલ નજીક કોઠારી હોસ્પિટલ પાસે પાર્સલ પહોંચાડવાનું હતું. જોકે, બાદમાં ઓર્ડર આપનાર વ્યક્તિએ પાર્સલ નાના ચિલોડા નજીક નરોડા ખાતે પહોંચાડવા જણાવ્યું હતું. પાર્સલ માટે આપવામાં આવેલા મોબાઈલ નંબર પર OTP મળ્યા બાદ સંબંધિત વ્યક્તિએ ડિલિવરી વર્કરનો સંપર્ક કર્યો હતો. પાર્સલ ખોલતાં તેમાંથી ડ્રગ્સ જેવી શંકાસ્પદ પડીકી મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
0.77 ગ્રામ મેફેડ્રોન, કિંમત રૂ. 1,540
પોલીસે FSLની મદદથી તપાસ કરતાં પડીકીમાંથી 0.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે રૂ. 1,540 હોવાનું જણાવાયું છે. તપાસમાં સામે આવ્યું કે પાર્સલ બુક કરાવવા માટે લાકડાના વેપારી સતિષભાઈ સરાણિયાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસ મુજબ, ડ્રગ્સ સાથે તેમને કોઈ લેવાદેવા નહોતી અને તેમના નંબરનો દુરુપયોગ થયો હતો.
રેન્ડમ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી હેરાફેરી
પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે ડ્રગ્સ મોકલવા માટે પોર્ટર એપ્લિકેશનમાં ડ્રગ્સ મેળવનાર તરીકે અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપવામાં આવતો હતો. ત્યારબાદ પાર્સલ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જેથી હેરાફેરીમાં સંડોવાયેલા લોકોની ઓળખ છુપાવી શકાય.
આ કેસમાં પોલીસે ડ્રગ્સ મોકલવાના આરોપસર સરદારનગરના અમિત સિંધી અને ડ્રગ્સ મંગાવવાના આરોપસર સાબરમતીના વેપારી પ્રિયંક સંઘવીની ધરપકડ કરી છે. પોલીસ હવે ડ્રગ્સના સ્ત્રોત, સપ્લાય નેટવર્ક અને આ પદ્ધતિથી અન્ય પાર્સલ મોકલવામાં આવ્યાં છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.










